માલદીવની અક્કલ ઠેકાણે આવી, વડાપ્રધાન મોદીની ટીકા વિશે કહ્યું- 'ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરીએ...'
India-Maldives Relations : માલદીવના ત્રણ મંત્રીઓએ લક્ષદ્વીપ મુદ્દે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કર્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો સંપૂર્ણ વણસી ગયા છે, ત્યારે મોહમ્મદ મોઈજ્જુ (Mohamed Muizzu) સરકારના વિદેશ મંત્રી મૂસા જમીર ભારતની મુલાકાતે આવતા ફરી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મૂસાએ આજે વિદેશ મંત્રી એસ.જયશંકર (S Jaishankar) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મૂસાએ વડાપ્રધાન મોદીની ટીકા મુદ્દે પણ જવાબ આપ્યો છે.
અમારી સરકારનું આવું વલણ નથી : માલદીવના વિદેશમંત્રી
જ્યારે વડાપ્રધાન લક્ષદ્વીપની મુલાકાતે ગયા હતા, ત્યારે માલદીવના ત્રણ મંત્રીઓ દ્વારા તેમની ટીકા કરવામાં આવી હતી અને કહ્યું હતું કે, આ જગ્યાની તુલના ક્યારેય માલદીવ સાથે ન થઈ શકે. જોકે માલદીવના વિદેશમંત્રી મૂસા જમીરે (Moosa Zameer) આ મુદ્દે કહ્યું કે, ‘અમે તે દરમિયાન કહ્યું હતું કે, સરકાર દ્વારા આ વલણ અપનાવાયું નથી. અમારુ માનવું છે કે, આવુ ન થવું જોઈએ. આ મુદ્દે સોશિયલ મીડિયા પર ગેરસમજ ફેલાવાઈ હતી. માલદીવ અને ભારતની સરકાર સમજે છે કે, શું થયું હતું અને અમે ઘણા આગળ વધી ગયા છીએ. અમારી સરકાર સુનિશ્ચિત કરશે કે, ભવિષ્યમાં આવી ભૂલ ન થાય.’ આ પહેલા માલદીવના પ્રવાસન મંત્રીએ ભારતીય પ્રવાસીઓને આમંત્રણ આપ્યું હતું કે, તેઓ વધુમાં વધુ સંખ્યામાં માલદીવની મુલાકાત લે.
માલદીવના ત્રણ મંત્રીએ વડાપ્રધાન મોદીની ટીકા કરી હતી
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં માલદીવના ત્રણ મંત્રીઓએ વડાપ્રધાન મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે બંને દેશો વચ્ચે સંબંધો બગડ્યા હતા. ત્યારબાદ માલદીવ સરકારે પણ મોદીની ટીકા કરનાર ત્રણેય મંત્રીઓ સામે આકરી કાર્યવાહી કરી સસ્પેન્ડ કરી દીધા હતા. ત્રણે મંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, આ જગ્યા (લક્ષદ્વીપ)ની તુલના ક્યારેય માલદીવ સાથે ન થઈ શકે. એ નિવેદન બાદથી જ ભારત તરફથી માલદીવનો બહિષ્કાર કરાયો હતો અને જોત જોતામાં અનેક લોકોએ માલદીવની ટ્રિપ્સ કેન્સલ કરી દીધી હતી.
માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા ઘટી
ઉલ્લેખનીય છે કે, માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઈ છે. માલદીવમાં દુનિયાભરમાંથી કુલ મળી 1757393 પ્રવાસીઓ આવે છે. તેમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની હતી. ત્યાં 1757939 સહેલાણીઓ દુનિયાભરમાંથી 2023માં આવ્યા હતા. જે પૈકી સૌથી વધુ (209198) સહેલાણીઓ ભારતના હતા. તે પછી રશિયાના 209146 અને ચીનના માત્ર 187118 સહેલાણીઓ આવ્યા હતા. જ્યારે 2023ના જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં ભારતમાંથી 73785 સહેલાણીઓ આવ્યા હતા. 2024માં તે સંખ્યા 58% જેટલી ઘટીને 42638 થઈ ગઈ, તેમાં પણ સીને સેલિબ્રિટિઝે તો માલદીવનો તદ્દન બોયકોટ કરતાં માલદીવના અર્થતંત્રને ભારે મોટો ફટકો પડયો છે.