VIDEO : બિહારનાં સુલ્તાનગંજ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં લાગી આગ, ગેટમેને મોટી દુર્ઘટના ટાળી
ટ્રેનના પૈડામાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં રેલવે સ્ટાફે તુરંત તકેદારી રાખી આગ પર કાબુ મેળવ્યો
માલદાથી કીલ જતી ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનના પૈડામાં અચાનક આગના તણખા નીકળવા લાગ્યા હતા
ભાગલપુર, તા.18 જૂન-2023, રવિવાર
બિહારના સુલ્તાનગંજ રેલવે સ્ટેશન પર ટ્રેનના પૈડામાં આગ લાગવાની ઘટના સામે આવ્યા બાદ અફરાતફરી મચી હતી. જોકે ગેટમેને સમય સૂચકતા દાખવતા મોટી દુર્ઘટના ટાળવામાં રેલવે કર્મચારીઓને સફળતા મળી હતી.
ગેટમેનને આગની જાણ થતાં તેણે તુરંત સ્ટેશન મેનેજરને કહ્યું
બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજ રેલ્વે સ્ટેશન પર માલદાથી કીલ જતી ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનના પૈડામાં અચાનક આગના તણખા નીકળવા લાગ્યા હતા. સ્ટેશનમાં પ્રવેશેલી ટ્રેનની આગ લાગી હોવાની ગેટમેને નજર પડતા, તેણે તુરંત સ્ટેશન મેનેજરને જાણ કરી હતી. સ્ટેશન મેનેજરે તરત જ આ અંગે આરપીએફ અને રેલવેના જવાનોને એલર્ટ કરી દીધા હતા. ત્યારબાદ જવાનોએ રેલવે કર્મચારીઓ સાથે મળીને આગ પર કાબૂ મેળવી મોટી દુર્ઘટના ટાળી હતી. હાલ સ્થિતિ નિયંત્રણમાં આવતા રેલવે તંત્રએ પણ હાશકારો લીધો છે.
#WATCH भागलपुर (बिहार): सुल्तानगंज रेलवे स्टेशन पर मालदा-किउल इंटरसिटी एक्सप्रेस के वैगन में आग लगने के बाद स्टेशन पर धुआं फैल गया। RPF के जवानों ने आग पर काबू पाया। pic.twitter.com/JRXCejl22S
— ANI_HindiNews (@AHindinews) June 18, 2023
આગની જાણ થતાં જ રેલવેનો સંપૂર્ણ સ્ટાફ એલર્ટ
આ ઘટના અંગે સુલતાનગંજ રેલવે સ્ટેશનના મેનેજર દીપક કુમારે જણાવ્યું કે, ગેટમેન દ્વારા ટ્રેનના એક પૈડામાં આગ લાગી હોવાની ઘટનાની સૂચના અપાઈ... ત્યારબાદ સ્ટેશન પરના રેલવે સુરક્ષા દળના જવાનો અને ટેકનિકલ સ્ટાફને અલર્ટ કરવામાં આવ્યા... ટ્રેન સ્ટેશન પર પહોંચતા જ સૌપ્રથમ આગ પર કાબુ મેળવાયો.. તેમણે કહ્યું કે, આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.
આગની જાણ થતાં જ ખળભળાટ મચી ગયો હતો
ટ્રેનના કોચના પૈડામાં આગ લાગવાના સમાચાર મળતાની સાથે જ અંદર બેઠેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. વેગનમાં લાગેલી આગને કારણે સ્ટેશન પણ ધુમાડાનાં ગોટા જોવા મળ્યા હતા. આ ઘટના જોઈને સ્ટેશન પર મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી. આ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થલે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે ટ્રેનને 20 મિનિટ સુધી સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી.
બ્રેક-શૂ ગરમ થવાથી સ્પાર્ક થયો
આગ પર કાબૂ મેળવ્યા બાદ ટ્રેનના તમામ કોચ અને એન્જિનની તપાસ કરવામાં આવી હતી. બધુ યોગ્ય થયા બાદ ટ્રેનને આગળ રવાના કરાઈ... કહેવામાં આવી રહ્યું છે કે બ્રેક-શૂ ગરમ થવાથી સ્પાર્ક થયો હતો. ઉલ્લેખનિય છે કે, હાલના દિવસોમાં બિહારમાં આકરી ગરમી પડી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી દિવસ દરમિયાન હીટવેવની સ્થિતિ જોવા મળી રહી છે.