ભારતના પ્રવાસે આવેલા મલેશિયાના PM અનવર ઈબ્રાહિમની કાશ્મીર વિશે ટિપ્પણી, જુઓ ઝાકિર નાઇક વિશે શું કહ્યું
Malaysia PM Anwar Ibrahim Visited India: ભારતના પ્રવાસે આવેલા મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે કાશ્મીર, પાકિસ્તાન, કટ્ટરપંથી ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. જેમાં તેમણે કાશ્મીરને લઈને વાત કરતાં જણાવ્યું હતું કે, 'તે ભારતનો ઘરેલુ મામલો છે અને અમે આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા ઈચ્છીએ છીએ.'
મોહમ્મદે NRC અને CAAને લઈને ભારતની ટીકા કરી હતી
5 ઑગસ્ટ, 2019માં જ્યારે ભારતે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી, ત્યારે મલેશિયાના તત્કાલીન વડાપ્રધાન મહાતિર મોહમ્મદે ભારતની આકરી ટીકા કરી હતી. આ દરમિયાન સપ્ટેમ્બર, 2019માં મોહમ્મદે સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું હતું કે, 'ભારતે કાશ્મીર પર કબજો કરી રાખ્યો છે.' મોહમ્મદના આ નિવેદન સામે ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, મોહમ્મદે NRC અને CAAને લઈને ભારતની ટીકા કરી હતી. જે બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. જો કે, 2022માં અનવર વડાપ્રધાન થયા પછી બંને દેશોના સંબંધોમાં નરમાઈ જોવા મળી હતી. જ્યારે અનવર કાશ્મીરને લઈને મોહમ્મદથી અલગ જ વલણ ધરાવે છે.
આ પણ વાંચો : ઈમરાન ખાનની ઓક્સફર્ડ યુનિવર્સિટીના કુલપતિ પદ માટે જેલમાંથી દાવેદારી, પલાયન થવાનો પેંતરો કે પબ્લિસિટી સ્ટંટ?
શાંતિ અને સુરક્ષા ઈચ્છીએ છીએ
અનવર ઈબ્રાહિમે કાશ્મીરના મુદ્દાને લઈને જણાવ્યું હતું કે, 'આ પૂરી રીતે ભારતનો ઘરેલુ મામલો છે. અમે કાશ્મીર પર કોઈ ખુલ્લું વલણ અપનાવ્યું નથી. આપણે શાંતિ અને સુરક્ષા ઈચ્છીએ છીએ, આ સાથે તણાવ ઓછો કરવાની જરૂર છે.' ઈબ્રાહિમે ભારતમાં લઘુમતીઓના મુદ્દા પર પણ વાત કરતા જણાવ્યું હતું કે, 'જેમ કે ભારતને લઘુમતીઓના મુદ્દા પર મલેશિયા પર સવાલ કરવાનો અધિકાર છે, તેવી જ રીતે અમને પણ ભારતમાં ધાર્મિક અને લઘુમતીઓને લઈને ચિંતા છે.'
ઝાકિર નાઈકને લઈને મલેશિયાના વડાપ્રધાને શું કહ્યું?
કટ્ટરપંથી ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક 2016માં ભારતથી ભાગી ગયો હતો અને મલેશિયાએ તેને 2018માં આશ્રય આપ્યો હતો. નાઈક પર ભડકાઉ ભાષણ આપવા, મની લોન્ડરિંગ અને ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. નાઈકના ભારત પ્રત્યાર્પણના સવાલ પર મલેશિયાના વડાપ્રધાને કહ્યું હતું કે, 'ઝાકિરે ક્યારેય ભારત વિરુદ્ધ કંઈ કહ્યું નથી. કાયદો એનું કામ કરે છે. જ્યાં સુધી ઝાકિર કોઈ સમસ્યા ઊભી ન કરે અને સુરક્ષા માટે ખતરો સાબિત ન કરે ત્યાં સુધી અમે આ મામલાને શાંતી રાખવા દઈશું. પરંતુ, ભારત જો તેને પત્યાર્પણ કરવા માટેના પુરાવા આપે છે તો અમે તેને આવકારીશું.' મલેશિયાના વડાપ્રધાન ઈબ્રાહિમે કહ્યું હતું કે, 'વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ મામલો ઉઠાવ્યો હતો.' ત્યારે ઈબ્રાહિમે કહ્યું હતું કે, 'કોઈપણ પ્રકારના ઉલ્લંધનનો સાથે આપવામાં આવશે નહીં અને મલેશિયા કાયદાકીય શાસનનું સન્માન કરે છે.'
આ પણ વાંચો : મસ્કની મિત્રતા ભારે પડી! ટ્રમ્પની કંપનીના શેર્સમાં બોલ્યો મોટો કડાકો, 4 અબજ ડૉલરનું નુકસાન
ઈબ્રાહિમે રાહુલ ગાંધી સાથેની મુલાકાતમાં શું કહ્યું?
ભારતના પ્રવાસ દરમિયાન મલેશિયાના વડાપ્રધાન ઈબ્રાહિમે કોંગ્રેસના નેતા સહિત લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતને લઈને તેમણે જણાવ્યું હતું કે, 'તેમની સાથે સારી વાતચીત થઈ, મે તેમને કહ્યું કે, ભારત એક અહમ સહયોગી છે, અમારે તમામ પક્ષો સાથે વાત કરવાની જરૂર છે.' અનવર ઈબ્રાહિમે જણાવ્યું કે, 'તેમણે આવતા વર્ષે મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં આયોજિત આસિયાન (ASEAN) શિખર સમ્મેલન માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યું છે, ત્યારે મોદીએ તેને સ્વીકારી કર્યો છે.'
ઈઝરાયલ-હમાસની લડાઈ પર પશ્ચિમે ટીકા કરી
મલેશિયાના વડાપ્રધાને ઈઝરાયલ-હમાસ યુદ્ધની વાતચીત દરમિયાન ગાઝાની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયલ પર હમાસના હુમલા પછી ગાઝા પર સતત બોમ્બમારો થઈ રહ્યો છે. ઈઝરાયલ છેલ્લા ઘણા મહિનાઓથી હમાસના નિયંત્રણવાળા ગાઝા પર બોમ્બ વિસ્ફોટ અને ગ્રાઉન્ડ ઓપરેશન કરી રહ્યું છે. જેમાં 40 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. ગાઝાની સ્થિતિ પર અનવર ઈબ્રાહિમે કહ્યું, 'ગાઝાની સ્થિતિ જોઈને મારું દિલ દુખે છે. હમાસ આઝાદી માટે લડતા લોકો છે, આતંકવાદીઓ નથી. પશ્ચિમી દેશો તેમના પ્રત્યે બેવડું વલણ અપનાવી રહ્યા છે.'