ગ્વાલિયરથી લિપુલેખ સુધીનો રસ્તો એક નહીં છ લેન કરો, અખિલેશની કેન્દ્ર સમક્ષ મોટી માંગ
Image Source: Facebook
નવી દિલ્હી, તા. 17 ડિસેમ્બર 2023 રવિવાર
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કેન્દ્રની ભાજપ સરકાર પાસે માંગણી કરી છે કે મધ્યપ્રદેશ સ્થિત ગ્વાલિયરથી લિપુલેખ સુધીના માર્ગને 6 લેનનો કરવામાં આવે. આ બાબત યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા સાઈટ ટ્વીટર પર પોસ્ટ કરી છે.
તેમણે લખ્યુ- જ્યારે ચીનની ઘૂસણખોરી પર દેશની સુરક્ષા માટે સૂચન માગ્યા તો સમાજવાદી પાર્ટીએ આ સૂચન આપ્યા કે લશ્કરી કટોકટીમાં શક્ય તેટલી વહેલી તકે સેનાના જવાનો અને સૈન્ય સામગ્રી મોકલવા માટે ગ્વાલિયરથી લિપુલેક સુધી એક 6 લેન માર્ગ બનાવવામાં આવે પરંતુ વાત 4 લેનથી થતા સિંગલ લેન પર પહોંચી ગઈ.
ભાજપ રાજનીતિ ન કરે - અખિલેશ યાદવ
અખિલેશ યાદવે કહ્યુ કે અવર-જવર માટે સિંગલ-સિંગલ લેનના કારણે તાત્કાલિક લશ્કરી પુરવઠો કેવી રીતે પુરો પાડી શકાય. તેમણે કૈલાશ માનસરોવરનો ઉલ્લેખ કરતા લખ્યુ- આ માર્ગથી દેશની સુરક્ષાની સાથે-સાથે આધ્યાત્મિક પ્રગતિના માનસરોવરના દર્શનનો માર્ગ પણ થશે, તેથી ભાજપ સરકાર આ મુદ્દે પુનર્વિચાર કરે. રાજકારણ નહીં.
2 મહિના પહેલા પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા
આ પહેલા 7 ઓક્ટોબરે પણ અખિલેશ યાદવે આ મુદ્દે વીડિયો પોસ્ટ કરીને પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેમણે લખ્યુ હતુ- દરરોજ અનેક કિમી રોડ બનાવવાનો દાવો કરનારી ભાજપ સરકાર દેશની સુરક્ષા માટે ખૂબ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ગ્વાલિયર-લિપુલેક માર્ગને બનાવવામાં કેમ ધ્યાન આપતી નથી. ચાર લેનના બદલે 2 લેન અને તે પણ અડધુ, ધૂળિયુ અને ગુણવત્તાસભર નથી.
ભાજપ સરકાર 2024ની ચૂંટણી પહેલા રાજકીય લાભ ઉઠાવવા અને ઉદ્ઘાટન કરવાનો શ્રેય લેવાના નામ પર જ આને પુરુ કરી દે તો દેશનું કંઈક ભલુ થઈ જશે. ચૂંટણીની વાત એટલા માટે યાદ કરાવવામાં આવી રહી છે કેમ કે રાજકીય લાભને જોયા વિના ભાજપ કોઈ કામ કરતી નથી.