Get The App

કરુણા અભિયાનઃ મકરસક્રાંતિ દરમિયાન ભાવનગરમાં 29 એનિમલ એેમ્બ્યુલન્સ તહેનાત રહેશે

૧૩, ૧૪ અને ૧૫ જાન્યુઆરીના દિવસે સૌથી વધારે ઈમર્જન્સી કોલ, ઉતરાયણ પહેલા ૯ બર્ડ રેસ્ક્યૂ

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
કરુણા અભિયાનઃ મકરસક્રાંતિ દરમિયાન ભાવનગરમાં 29 એનિમલ એેમ્બ્યુલન્સ તહેનાત રહેશે 1 - image

મકરસક્રાંતિ પર્વનો ઉત્સાહ લોકોમાં હંમેશાથી બેવડાયેલો રહ્યો છે. પરંતુ આપણા આનંદમાં મુંગા પશુ પંખીઓનો જીવ જોખમમાં મુકાય છે અને તે માટે સરકાર દ્વારા ઉતરાયણ પર્વ પર કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. મિશન સેફ ઉતરાયણ, મિશન હેપ્પી ઉતરાયણ સાથે મુંગા પશુપંખીઓને સુરક્ષા અને સારવાર આપવા માટે ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ ૨૯ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ તૈનાત રહેશે.

મકરસક્રાંતિ પર્વમાં દોરીઓને કારણે મુંગા પંખીઓને ઈજાગ્રસ્ત થવાના અનેક કિસ્સાઓ સામે આવે છે. આપણા આનંદમાં મુંગા પશુ પંખીઓનો જીવ જોખમમાં મુકાય છે અને તે માટે સરકાર દ્વારા ઉતરાયણ પર્વ પર કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. મિશન સેફ ઉતરાયણ, મિશન હેપ્પી ઉતરાયણ સાથે ઉતરાયણના દિવસો દરમિયાન મુંગા પશુપંખીઓને સુરક્ષા અને સારવાર આપવા માટે ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ ૨૯ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. જેમાં ભાવનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં કુલ ૩ એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે તથા બાકીની ૨૮ એનિમલ એમ્બ્યુલન્સ જિલ્લામાં કાર્યરત રહેશે તથા જરુરી દવા અને ઈન્જેક્શનનો જથ્થો પણ મંગાવી લેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં બે બેઠકો યોજી જિલ્લામાં કરુણા અભિયાન થકી મુંગા પશુપંખીઓને બચાવવાનું આયોજન ઘડયું છે. કરુણા અભિયાનના ભાવનગર જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર સંજય ઢોલાના જણાવ્યા અનુસાર ભાવનગર જિલ્લામાં ૧૩, ૧૪ અને ૧૫ જાન્યુઆરીના દિવસે સૌથી વધારે ઈમર્જન્સી કોલ્સ આવે છે. જે બાદ ૧૬ થી ૧૯ જાન્યુઆરી સુધીમાં ધીરે-ધીરે ઈમર્જન્સી કોલ્સ ઘટતા જાય છે. આ વર્ષે ૧૯૬૨-કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાઓ અન્વયે ૫૬.૬૧ ટકા તેમજ ૬૦.૧૮% જેટલો ઈમરજન્સીકાલ્સનોનોંધપાત્ર વધારો થવાની સંભાવનાઓ છે. ઉતરાયણને પગલે કરુણા એનિમલ એમ્બ્યુલન્સનો સ્ટાફ ફરજ પર રહેશે. કુલ ૩૪ પાયલોટ તથા ૨૨ પશુ ડોક્ટર ફરજ બજાવશે તથા આગામી સમયમાં વધારે સ્ટાફ પણ આમા જોડાશે.

પશુ-પંખીને ઈજાના કોલ ૩૫ ટકા વધવાની સંભાવના

ભાવનગરમાં સામાન્ય દિવસોની સરખામણીએ પશુ-પંખી ઈજાગ્રસ્ત થવાના કોલ્સમાં ૩૫ ટકા વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાવનગરમાં સામાન્ય દિવસોમાં કરુણા હેલ્પલાઈન ૧૯૬૨ને સરેરાશ ૪૮ કોલ્સ આવે છે. પાછલા વર્ષોના તારણોના આધારે આ વર્ષે ઉતરાયણના દિવસે આ કોલ્સમાં ૩૫.૪૨ ટકાના વધારા સાથે ૬૫ કોલ્સ આવે તેવી શક્યતા છે. ઉતરાયણ પહેલા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૯ પક્ષીઓને રેસ્ક્યૂ કરાયા છે.


Google NewsGoogle News