કેન્દ્રીય મંત્રી મોડા પડ્યા, તો નીતિશ 5 મિનિટ રાહ જોઈ રવાના થઈ ગયા, બિહારમાં ફરી રાજકીય ગરમાવો
Bihar Chuda Dahi Politics on Makar Sankranti: બિહારમાં ખીચડીને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું હોય તેવું લાગી રહ્યું છે. મકરસંક્રાંતિના અવસર પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન દ્વારા આયોજિત ભોજન સમારંભ માટે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પહોંચ્યા હતા, પરંતુ કંઈપણ ખાધા વગર જ પરત ફર્યા હતા.
બિહારનું રાજકારણ ગરમાયું
નીતિશ કુમાર ચિરાગ પાસવાનના દહીં-ચૂડા ભોજન સમારંભમાં ચિરાગ પાસવાનના આગમન પહેલા જ પહોંચી ગયા હતા. પાર્ટી કાર્યાલયમાં માત્ર લોક જનશક્તિ પાર્ટી (LJP-R)ના પ્રદેશ અધ્યક્ષ રાજુ તિવારી હાજર હતા. નીતીશ કુમારે ત્યાં પહોંચીને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એલજેપીના સંસ્થાપક રામવિલાસ પાસવાનની તસવીર પર ફૂલ અર્પણ કર્યા હતા. ત્યારપછી 5 મિનિટ રોકાયા અને ત્યાંથી નીકળી ગયા.
ચિરાગ પાસવાન પોતે 12 વાગે પહોંચ્યા હતા
પાર્ટી ઓફિસમાં નીતિશ કુમાર લગભગ 5 મિનિટ રાહ જોતા રહ્યા, પરંતુ ચિરાગ પાસવાન પહોંચી શક્યા નહીં. મુખ્યમંત્રી નીકળી ગયા ત્યારે પણ ચિરાગ પાસવાન પાર્ટી ઓફિસ સુધી પહોંચી શક્યા ન હતા. નીતિશ કુમાર લગભગ 10:20 વાગ્યે એલજેપી ઓફિસ પહોંચ્યા જ્યારે ચિરાગ પાસવાન બપોરે 12 વાગ્યે પાર્ટી ઓફિસ પહોંચ્યા હતા.
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ કેજરીવાલની દુખતી નસ પર હાથ મૂક્યો, દિલ્હીમાં કોંગ્રેસ માટે સેટ કર્યો એજન્ડા
મુખ્ય મહેમાનના આગમન સમયે યજમાન જ ગેરહાજર
જો કે આ ઘટના બાદ બિહારનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષી દળોએ પણ આ મુદ્દે ટોણો મારવાનું શરૂ કરી દીધું છે. ચિરાગ પાસવાને મકરસંક્રાંતિ પર પોતાની પાર્ટી ઓફિસમાં દહીં-ચૂડાની મિજબાનીનું આયોજન કર્યું હતું અને આ માટે તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત મહાગઠબંધનના તમામ પક્ષોના નેતાઓને આમંત્રણ આપ્યું હતું, પરંતુ મુખ્ય મહેમાનના આગમન સમયે યજમાન ત્યાંથી ગેરહાજર હતા.