નરેન્દ્ર મોદીની 22 વર્ષની રાજકીય સફરમાં પહેલીવાર મોટો વળાંક, શું PM મોદી 'અટલ' બનવા ઈચ્છશે?
Lok Sabha Election Results 2024: '400 પાર'ના નારા સાથે 2024ની લોકસભાની ચૂંટણીના શ્રીગણેશ કરનાર ભાજપે આજે આવેલા પરિણામોની ભાગ્યે જ કલ્પના કરી હશે. NDA ગઠબંધન તરીકે નહિ પરંતુ ખાસ કરીને ભાજપે વ્યક્તિગત ધોરણે આ પ્રકારે પ્રજા પાસેથી ઝાકારાની અપેક્ષા તો નહોતી જ રાખી. મલ્લિકાર્જુન ખડગેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ નરેન્દ્ર મોદીની હાર છે. આમ જોવા જઈએ તો વ્યક્તિગત ધોરણે નરેન્દ્ર મોદી માટે આજના પરિણામ એક મોટા સેટબેક સાબિત થવા જઈ રહ્યાં છે. 2001માં સીધા જ ગુજરાતના તત્કાલિન સીએમ બનીને બંધારણીય જવાબદારી સ્વીકારનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનમાં પહેલીવાર એવું બન્યું છે કે તેમના નેતૃત્વમાં પાર્ટીને બહુમતી ન મળી હોય.
2001માં મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ પ્રકારની રાજનીતિ માટે હંમેશા જાણીતા રહ્યાં છે. લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ એકલા હાથે બહુમતીનો આંકડો પાર નથી કરી શકી. આ સ્થિતિ 1996 બાદ ભાજપ માટે પ્રથમ વખત સર્જાઈ છે.
જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ ગ્રહણ કરશે તો તેમની રાજકીય કારકિર્દીમાં આ પ્રથમ વખત હશે કે તેઓ તેમના સહયોગીઓના સમર્થનથી સરકારનું નેતૃત્વ કરશે. જો આ સ્થિતિ સર્જાશે તો તેમની સામે પ્રથમ વખત ગઠબંધન જાળવી રાખવાનો પડકાર રહેશે. સાથી પક્ષોની સ્થિતિનું પણ ધ્યાન રાખવું પડશે. મોદી આવા પ્રકારની રાજનીતિ અને શાસન માટે જાણીતા નથી. તેમની કામ કરવાની પોતાની અલગ રીત છે અને તેઓ આગામી શું સ્ટેપ લેવા જઈ રહ્યાં છે તેના અંગે તેમના પક્ષના ટોચના નજીકના નેતાઓને પણ ઘણીવાર ખબર નથી હોતી.
- નરેન્દ્ર મોદીએ હંમેશા ગુજરાતમાં CM અને દેશના PM તરીકે બહુમતની સરકાર ચલાવી છે
- પ્રથમ વખત થશે કે ભાજપ મોદીના વડપણ હેઠળ બહુમતીથી પાછળ રહ્યું હોય
- ત્રીજી ટર્મમાં મોટા લક્ષ્યો માટે લક્ષ્ય રાખનારા પીએમ હવે કેવી રીતે આગળ વધશે?
- આજના પરિણામો સાથે ફરી ચર્ચા શરૂ થઈ છે કે શું મોદી બનશે અટલ? અર્થાત ગઠબંધન સરકારનું નેતૃત્વ કરશે કે પછી કોઈ અન્ય માર્ગે આગળ વધશે ?
પ્રથમ વખત બહુમતી ન મેળવી શક્યા મોદી :
(નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારો)
ચૂંટણી |
જીતેલી
બેઠકો |
નેતૃત્વ |
|
|
|
ગુજરાત
વિધાનસભા ચૂંટણી 2002 |
127 |
નરેન્દ્ર
મોદી |
ગુજરાત
વિધાનસભા ચૂંટણી 2007 |
117 |
નરેન્દ્ર
મોદી |
ગુજરાત
વિધાનસભા ચૂંટણી 2012 |
115 |
નરેન્દ્ર
મોદી |
લોકસભા
ચૂંટણી 2014 |
282 |
નરેન્દ્ર
મોદી |
લોકસભા
ચૂંટણી 2019 |
303 |
નરેન્દ્ર
મોદી |
લોકસભા
ચૂંટણી 2024 |
242 |
નરેન્દ્ર
મોદી |
(નોંધઃ PM મોદીના નેતૃત્વમાં લડાયેલી ચૂંટણીમાં પહેલીવાર ભાજપને 2024ની લોકસભા ચૂંટણીમાં એકલા હાથે બહુમતી મળી નથી.)
પહેલીવાર બહુમતી નથી મળી
1998માં ભાજપ 117 બેઠકો જીતીને સત્તામાં આવ્યું હતુ. ગુજરાત રમખાણો પછી યોજાયેલી ચૂંટણીમાં ભાજપે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રથમ ચૂંટણી લડી હતી અને પાર્ટીને 127 બેઠકો મળી હતી. જોકે 2012ની ચૂંટણીમાં ભાજપ ઘટીને 115 બેઠક પર આવી ગઈ હતી. જોકે 182 સભ્યોની વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી. આ પહેલીવાર છે જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવી હતી અને પાર્ટી બહુમતીથી પાછળ રહી છે. આટલું જ નહીં તેઓ વારાણસીથી બહુ ઓછા માર્જિનથી જીત્યા છે.
ત્રીજી વખત શપથ કે સરપ્રાઈઝ?
ભાજપે કેન્દ્રમાં ત્રીજી વખત મોદી સરકાર માટે પોતાના દમ પર 370થી વધુ બેઠકો અને NDA ગઠબંધનનો 400થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ બીજેપી પાર્ટી બહુમતીના આંકને પણ સ્પર્શી શકી નથી. આ લોકસભા ચૂંટણીમાં મોદી કેબિનેટના ઘણા મંત્રીઓ હારી ગયા છે.
જોકે હવે કેટલાક રાજકીય પંડિતો મોદી પણ અટલના રાહે જઈ શકે છે તેવું અનુમાન લગાવી રહ્યાં છે. હવે જોવાનું એ રહે છે કે પીએમ મોદી નવા અટલ બિહારી વાજપેયીની ભૂમિકા સ્વીકારે છે કે પછી અન્ય કોઈ આશ્ચર્ય સર્જાય છે. 1996માં જ્યારે પ્રથમ વખત NDAની સરકાર રચાઈ હતી અને પ્રધાનમંત્રી તરીકે અટલ બિહારી વાજયેપીએ 13 જ દિવસમાં બહુમતી ન હોવાથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતુ અને સરકાર પડી ગઈ હતી. બાદમાં 1998માં પણ સમાન સ્થિતિ સર્જાઈ હતી અને સરકાર બન્યાના 13 મહિનામાં AIADMKએ સપોર્ટ પાછો ખેંચી લેતા અવિશ્વાસ પ્રસ્તાવમાં 13 મહિનાની આ સરકાર એક વોટથી પડી ભાંગી હતી. જોકે બાદમાં ફરી ચૂંટણી યોજાઈ અને બીજેપીના નેજા હેઠળના એનડીએ ગઠબંધનને 543માંથી 303 બેઠકો મળી હતી અને ત્રીજી વખત વાયજેપીની સરકાર રચાઈ હતી. આ સ્થિતિ પીએમ મોદી સમક્ષ પણ સર્જાઈ છે. હવે એ જોવું રહ્યું કે મોદી અટલ રાહે જશે કે કોથળામાંથી કઈંક નવું જ બિલાડું કાઢશે.
આ માર્ગમાં પડકાર શું છે?
ગુજરાતના સીએમથી પીએમ સુધીની પ્રગતિ કરનાર નરેન્દ્ર મોદી મોટા નિર્ણયો લેવા માટે જાણીતા છે. તેમણે ક્યારેય દબાણની રાજનીતિ સ્વીકારી નથી. જો તેઓ ત્રીજી સરકારનું નેતૃત્વ કરશે તો સીએએ, એનઆરસી અને વન નેશન, વન ઇલેક્શન જેવા મોટા નિર્ણયો પર જેડીયુ, ટીડીપી જેવા ઘટકદળોને કેવી રીતે સમજાવશે? તેમના માટે આ એક પડકાર હશે. પ્રથમ વખત તેમની કેબિનેટમાં ગઠબંધનનું દબાણ જોવા મળશે. આવી સ્થિતિમાં શું પીએમ નરેન્દ્ર મોદી નવા અવતારમાં જોવા મળશે કે 'અટલ' રાહ અપનાવશે, તે જોવું રસપ્રદ રહેશે, કારણકે અત્યાર સુધી તેમણે પોતાની સ્ટાઈલમાં આક્રમક રાજનીતિ કરી છે.