હાથરસ દુર્ઘટના: PM મોદીએ CM યોગીને કર્યો ફોન, અખિલેશ યાદવે કહ્યું- સરકાર જવાબદાર

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
હાથરસ દુર્ઘટના: PM મોદીએ CM યોગીને કર્યો ફોન, અખિલેશ યાદવે કહ્યું- સરકાર જવાબદાર 1 - image



Hathras Stempede: ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં આયોજિત ભોલે બાબાના સત્સંગ (Bhole Baba Satsang)માં થયેલી ભાગદોડમાં 120થી વધુ લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ અકસ્માતમાં 150થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા છે. હોસ્પિટલમાં મૃતદેહો ખડકાયા છે. ત્યારે આ દૂર્ઘટના અંગે PM મોદીએ ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથને ફોન કરી ઘટનાની પરિસ્થિતિ અને ગંભીરતા વિશે ચર્ચા કરી હતી ઉપરાંત આ ઘટના પર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન મોદી સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.

રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં થયેલી દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત ઘણા શ્રદ્ધાળુઓની મોતના સમાચાર હૃદયદ્રાવક છે. હું પોતાના પરિજનોને ગુમાવનારા લોકો પ્રત્યે શોક સંવેદના વ્યક્ત કરૂં છું તથા ઘાયલ લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરૂં છું'.

PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન મોદીએ ગૃહમાં પોતાના ભાષણ દરમિયાન આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, યુપીના હાથરસમાં થયેલી દુર્ઘટના દુઃખદ છે, જીવ ગુમાવનારા લોકો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું તેમજ ઘાયલોની સ્વસ્થતાની કામના કરું છું. રાજ્ય સરકાર બચાવ કામગીરીમાં લાગેલી છે અને કેન્દ્ર સરકાર તેમના સંપર્કમાં છે. પીડિતોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.

રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો
કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. X પર તેમણે લખ્યું કે, ઉત્તરપ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન શ્રદ્ધાળુઓની થયેલા મોતના સમાચાર અત્યંત પીડાદાયક છે. તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરતા, ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું. સરકાર અને વહીવટીતંત્રને વિનંતી છે કે તેઓ ઘાયલોને શક્ય તમામ સારવાર અને અસરગ્રસ્ત પરિવારોને રાહત આપે. INDIAના તમામ કાર્યકર્તાઓને રાહત અને બચાવ કાર્યમાં સહયોગ આપવા વિનંતી છે.

CM યોગી આદિત્યનાથની ઓફિસે ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યો
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઓફિસે ટ્વિટ કરી દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યો છે. ટ્વિટમાં હાથરસ જિલ્લામાં અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ઈજાગ્રસ્તોના જલદી સાજા થવાની કામના કરી હતી. તેમણે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા અને સ્થળ પર રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. તેમણે આગ્રાના ADG અને અલીગઢના કમિશનરના નેતૃત્વમાં ઘટનાના કારણોની તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યક્ત કર્યો
ઘટના પર શોક વ્યક્ત કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલી દુઃખદ ઘટનાથી મન ખૂબ જ વ્યથિત છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂં છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. સ્થાનિક વહિવટીતંત્ર રાહત કાર્યમાં લાગેલો છે. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું.

અખિલેશ યાદવે સરકાર પર ઉઠાવ્યા સવાલો
દુર્ઘટના પર સપાના પ્રમુખ અખિલેશ યાદવને કહ્યું કે, કાર્યક્રમમાં જો વધારે લોકો આવે છે તો આ અંગે સરકારની જવાબદારી બને છે કે તે તેમની સુરક્ષાની જવાબદારી લે. તેમણે કહ્યું કે, તંત્રની જવાબદારી બને છે કે તે લોકોને ગાઇડ કરે.

ઉચ્ચ અધિકારીઓને તપાસના આદેશ અપાયા 
આ ભયાવહ દુર્ઘટના પછી મુખ્યમંત્રી કાર્યાલયે પણ સંજ્ઞાન લીધું હતું. આ દરમિયાન અનેક લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાયા હતા. રાજ્ય સરકારે રાહત અને બચાવ કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત એડીજી આગરા અને અલીગઢના કમિશનરના નેતૃત્વમાં આ દુર્ઘટનાની તપાસના પણ આદેશ અપાયા છે.  યોગી સરકારના નિર્દેશ પછી સરકારના બે વરિષ્ઠ મંત્રી અને મુખઅય સચિવ સાથે ડીજીપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. 

ભોલે બાબાના ભક્તો ઉત્તર ભારતમાં ફેલાયેલા છે
ભોલે બાબાને તેમના અનુયાયીઓ નારાયણ સાકાર હરિના નામે ઓળખે . તેઓ એટા જિલ્લાના પટયાલી તાલુકાના ગામ બહાદુર નગરના રહેવાસી છે. આશરે 26 વર્ષ પહેલા તેમણે સરકારી નોકરી છોડીને પ્રવચનો આપવાનું શરૂ કર્યું હતું. તેઓ પહેલા ગુપ્તચર બ્યુરોમાં કામ કરતા હતા. બાદમાં નોકરી છોડીને સત્સંગ કરવામાં સક્રિય થયા. હાલ તેઓ પત્ની સાથે જ સત્સંગના કાર્યક્રમો કરે છે. તેમના સત્સંગમાં હજારો લોકો ભાગ લે છે. ભોલે બાબા ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં સૌથી વધુ ભક્તો ધરાવે છે. 


Google NewsGoogle News