'કુણાલની હત્યા પહેલા કરી હતી રેકી...' લેડી ડૉન ઝિકરાની પૂછપરછમાં મોટા ખુલાસા, બે દિવસના રિમાન્ડ મંજૂર
Kunal Murder case, Delhi: દિલ્હીના સીલમપુરમાં સગીર કુણાલ હત્યાકાંડની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. હવે આ સનસનાટીભર્યા કેસમાં 'લેડી ડોન' ઝિકરાની પૂછપરછ બાદ મોટો ખુલાસો થયો છે. પોલીસના સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઝિકરા માત્ર ગુનાની દુનિયામાં જ સક્રિય નથી, પરંતુ તે સગીર છોકરાઓની ગેંગ તૈયાર કરી રહી હતી. કુણાલની હત્યા પહેલા તેની રેકી કરવામાં આવી હતી અને તેની ચહલ- પહલ પર નજર રાખીને હુમલો કરવામાં આવ્યો હતો.
'ઝિકરા પોતાની એક અલગ ગેંગ તૈયાર કરી રહી હતી'
દિલ્હી પોલીસની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, ઝિકરા પોતાની એક અલગ ગેંગ તૈયાર કરી રહી હતી. જેમાં 5 થી 7 સગીર છોકરાઓનો સમાવેશ થાય છે. ઝિકરા આ છોકરાઓને હથિયાર ચલાવવાનું શીખવી રહી હતી, અને તેના વિસ્તારમાં આતંક ફેલાવવા માટે તેમનો ઉપયોગ કરતી હતી. ઝિકરા વિસ્તારમાં ભય અને ધમકીઓ ફેલાવીને આતંક ફેલાવવાના પ્રયાસમાં રહેતી હતી.
આ પણ વાંચો: મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત
'ઘટનાને અંજામ આપતા પહેલા તેની રેકી કરવામાં આવી હતી'
પોલીસની તપાસમાં એવુ પણ જાણવા મળ્યું છે, કે કુણાલને નિશાન બનાવતા પહેલા તેની સંપૂર્ણ રેકી કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુણાલ જીટીબી હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યો, ત્યારથી જ તેના પર નજર રાખવામાં આવી રહી હતી. જેવો તે દૂધ લેવા માટે બહાર નીકળ્યો ત્યારે પહેલાથી નિશાન તાકીને બેઠેલા આરોપીઓએ તેના પર હુમલો કરીને છરીના ઘા મારીને હત્યા કરી દીધી.
'તેના વિસ્તારમાં આતંક ફેલાવવાની કોશિશ કરતી'
પોલીસનું કહેવું છે કે, ઝિકરાને મોટાભાગે સગીર છોકરાઓ સાથે જોવા મળતી હતી. તેને હથિયારો રાખવાનો અને પ્રદર્શિત કરવાનો શોખ હતો. તે ઘણીવાર વીડિયો અને ફોટામાં પોતાને 'લેડી ડોન' તરીકે ઓળખાવતી હતી. એટલું જ નહીં, તેણે સોશિયલ મીડિયા દ્વારા તેની ગેંગનો આતંક ફેલાવવાની પણ કોશિશ કરતી હતી.
'ઝિકરા અને ઝોયાનું કનેક્શન'
આ કેસમાં બીજો પણ એક એંગલ બહાર આવ્યો છે, ઝિકરા ગેંગસ્ટર હાશિમ બાબાની પત્ની ઝોયાની નજીક હોવાનું કહેવાય છે. ઝોયા હાલમાં જેલમાં છે, પરંતુ એવું પણ કહેવાય છે કે, ઝિકરા તે ગેંગની આગળની હરોળમાં જવાની કોશિશ કરી રહી હતી. ઝોયા જેલમાં ગયા પછી ઝિકરાએ પોતાનું નેટવર્ક વધારવાનું શરૂ કર્યું હતું.
જો કે હાલમાં, પોલીસ તપાસનું ફોકસ સગીર આરોપીઓ પર છે. તેમની ઝિકરા સાથેની ભૂમિકા, કનેક્શન અને સંબંધોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ જાણવાની કોશિશમાં લાગેલી છે કે, કુણાલની હત્યા ફક્ત અંગત દુશ્મનાવટ હતી કે તેની પાછળ કંઈક બીજું કોઈ કારણ હતું.