કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં અત્યાર સુધી 120 લોકોના મોત, દટાયેલા લોકોની શોધખોળ ચાલુ

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં અત્યાર સુધી 120 લોકોના મોત, દટાયેલા લોકોની શોધખોળ ચાલુ 1 - image
Image : IANS 

Kerala Landslide: કેરળના વાયનાડમાં વરસાદ આફત બનીને વરસ્યો છે. ભારે વરસાદ બાદ ચાર કલાકમાં ત્રણ ભૂસ્ખલનની ઘટનાથી ભારે તારાજી સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 120 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં કેટલાક બાળકો પણ સામેલ છે, જ્યારે 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં 98થી વધુ લોકો ગુમ હોવાના પણ અહેવાલ મળ્યા છે, જેથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. હાલ રેસ્ક્યુ ઑપરેશનમાં આર્મી અને નેવી સહિત જવાનો પૂરજોશમાં રાહત અને બચાવની કામગીરી કરી રહ્યા છે. આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાને શોક વ્યક્ત કરીને વળતરની જાહેરાત કરી છે. આ ઉપરાંત કેરળમાં બે દિવસના રાજકીય શોકની પણ જાહેરાત કરવામાં આવી છે.

 

ભૂસ્ખલન બાદ 98થી વધુ લોકો લાપતા

કેરળમાં અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે (30 જુલાઈ) વહેલી સવારે વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે તબાહી સર્જાઈ છે. મેપડી નજીકના વિવિધ પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થતાં અત્યાર સુધીમાં 120 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અનેક લોકો દટાયાની આશંકા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (KSDMA)ના જણાવ્યાનુસાર બચાવ કામગીરી માટે અસરગ્રસ્ત વિસ્તારમાં વિવિધ ટીમને મોકલવામાં આવી છે. રેસ્ક્યુ ઑપરેશન માટે સ્થાનિક તંત્રની સાથે આર્મી અને નેવી પણ જોડાઈ ગઈ છે. ભારે વરસાદના કારણે બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે.

Kerala Landslide:
Image : IANS

16 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાયા

કેરળના મુખ્ય સચિવ વી વેણુએ જણાવ્યું કે લગભગ 2-3 વખત ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત 16 લોકોને વાયનાડના મેપડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ દુર્ઘટના પર સતત નજર રાખી રહ્યા છે. રાજ્યની તમામ સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે. આજે રાજ્યના મુખ્ય મંત્રી દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ શકે છે.

અત્યાર સુધી માત્ર 34 મૃતદેહોની ઓળખ થઈ : મુખ્યમંત્રી

કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું કે, ‘જ્યાં ઘટના બની તે વિસ્તારોમાં તમામ લોકો રાત્રે સુઈ ગયા હતા. ભૂસ્ખલન થવાના કારણે બાળકો સહિત અનેક લોકોના મોત થયા છે. કેટલાક મૃતદેહો પાણીના વહેણમાં વહી ગયા છે, જ્યારે એક જળાશય પાસેથી 16 મૃતદેહો મળ્યા છે. અત્યાર સુધી માત્ર 34 મૃતદેહોની ઓળખ થઈ શકી છે. 18 મૃતદેહો તેમના પરિવારજનોને સોંપાયા છે. સેનાની ટીમ હવે મુંડક્કાઈના બજાર વિસ્તારમાં પહોંચી ગઈ છે. ઘાયલ થયેલા લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ આપણા રાજ્યમાં સૌથી ખરાબ કુદરતી આફતો પૈકીની એક છે.’

જાનમાલને ભારે નુકસાન થયું : પિનારાઈ વિજયન

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ‘પ્રથમ ભૂસ્ખલન મોડી રાત્રે લગભગ બે કલાકે થયું હતું, ત્યારપછી સવારે 4.10 કલાકે વધુ એક ભૂસ્ખલન થયું હતું. આ ઘટનામાં જાનમાલને ભારે નુકસાન થયું છે. હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોઈ શકે છે. અમે બચાવ કાર્ય ચાલુ રાખવા તમામ પ્રયાસો કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ગૃહમંત્રી અમિત શાહ, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન, બંગાળના ગવર્નર સી.વી.આનંદ બોઝે મને સીધો ફોન કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને તેઓએ શક્ય તમામ મદદની ખાતરી આપી છે. વાયનાડમાં 45 રાહત શિબિર તૈયાર કરવામાં આવી છે, જેમાં 3600થી વધુ લોકોને સ્થળાંત કરાયા છે.’

PM મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં વળતરની પણ જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે 'વાયનાડના કેટલાક ભાગોમાં થયેલા ભૂસ્ખલનથી દુઃખી છું. મારી સંવેદના તે તમામ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે અને જેઓ ઈજાગ્રસ્ત થયા છે તેમના માટે હું પ્રાર્થના કરું છું. તમામ અસરગ્રસ્ત લોકોને મદદ હાલમાં ચાલી રહી છે.' વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી પણ આપી હતી.

કેન્દ્ર સરકારે વળતરની જાહેરાત કરી

વડાપ્રધાન મોદીએ દુર્ઘટના પર વળતરની પણ જાહેરાત પણ કરી છે. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, 'વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે ઈજાગ્રસ્તોને વળતર તરીકે 50,000 રૂપિયા આપવામાં આવશે.'

 

આ પણ વાંચો : ઝારખંડના ચક્રધરપુર નજીક મોટી ટ્રેન દુર્ઘટના ટળી, હાવડા-મુંબઈ મેલ પાટા પરથી ઉતરી

CMO તરફતી એક નિવેદન પણ જાહેર કરાયું

રાજ્યમાં ભૂસ્ખલનની ઘટના બાદ મુખ્યમંત્રીની ઑફિસ તરફથી એક નિવેદન જાહેર કરતાં જણાવ્યું છે કે, ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને, થમરાસેરી પાસ ખાતે જરૂરી વાહનો સિવાયના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી પાસમાં ટ્રાફિક જામ ન થાય અને બચાવ ટીમને મુંડકાઈ સુધી પહોંચાડી શકાય. નેશનલ હેલ્થ મિશન દ્વારા અહીં કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે. ઇમરજન્સી સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. વાયુસેનાના બે હેલિકોપ્ટર Mi-17 અને એક ALHને તામિલનાડુના સુલુરથી રવાના કરવામાં આવ્યા છે.

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં અત્યાર સુધી 120 લોકોના મોત, દટાયેલા લોકોની શોધખોળ ચાલુ 3 - image


Google NewsGoogle News