ભારતના 10 મોટા શહેરોમાં વાયુ પ્રદૂષણનું સંકટ, દર વર્ષે 33000 મોત, ચોંકાવનારો રિપોર્ટ
Image: Freepik
Air Pollution: દેશમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા છે, પરંતુ હવે એક તાજેતરના અભ્યાસથી જાણ થઈ છે કે તેનાથી આપણા સૌનું ચિંતિત થવું સ્વાભાવિક છે. આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશના 10 શહેરોમાં દર વર્ષે 33 હજાર લોકોના મોત વાયુ પ્રદૂષણના કારણે થઈ રહ્યાં છે. રિપોર્ટ અનુસાર ભારતમાં સ્વચ્છ હવાના ધોરણ, આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વચ્છ હવાના ધોરણો પહેલાથી વધુ છે પરંતુ ઘણાં શહેરોમાં નક્કી ધોરણોથી પણ ઘણુ વધુ પ્રદૂષણ એક મોટી સમસ્યા બની છે. જેના કારણે લોકો ઘણી બિમારીઓનો ભોગ બની રહ્યાં છે.
આ 10 શહેરોમાં વાયુ પ્રદૂષણનું મોટું જોખમ
રિપોર્ટ અનુસાર દેશના 10 શહેરો અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, પૂણે, શિમલા અને વારાણસીમાં વર્ષ 2008થી 2019ની વચ્ચે અભ્યાસ કર્યો, આ શહેરોમાં વાયુ પ્રદૂષણથી 33 હજાર મોત થયા છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વર્તમાન ભારતીય વાયુ ગુણવત્તા ધોરણોથી નીચે વાયુ પ્રદૂષણના સ્તરથી પણ દેશમાં દૈનિક મૃત્યુ દરમાં વધારો થાય છે. દેશના 10 શહેરો અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, પૂણે, શિમલા અને વારાણસીમાં દર વર્ષે લગભગ 33,000 મોત વાયુ પ્રદૂષણના સ્તરના કારણે થાય છે. જે WHOના દિશા-નિર્દેશોથી વધુ છે.
રાજધાની દિલ્હીમાં દર વર્ષે 12 હજાર મોત
મુંબઈ, બેંગ્લુરુ, કોલકાતા અને ચેન્નઈમાં મોટી સંખ્યામાં મોત થયા છે પરંતુ રાજધાની દિલ્હીમાં પરિસ્થિતિ ખૂબ વધુ ખરાબ છે. રિપોર્ટ અનુસાર દિલ્હીમાં વાયુ પ્રદૂષણ જન્ય બિમારીઓથી દર વર્ષે 12 હજાર લોકોના મોત થયા છે, જે દેશમાં થયેલા કુલ મોતના 11.5 ટકા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા ધોરણોને આકરા કરવાની જરૂર છે અને વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવાનો પ્રયત્ન બમણો કરવાની જરૂર છે.
શિમલામાં પણ વાયુ પ્રદૂષણનું જોખમ
દિલ્હી બાદ સૌથી વધુ મોત વારાણસીમાં થયા છે, જ્યાં દર વર્ષે 830 લોકોએ જીવ ગુમાવ્યા છે, જે કુલ મોતની સંખ્યાના 10.2 ટકા છે. બેંગ્લુરુમાં 2,100, ચેન્નઈમાં 2900, કોલકાતામાં 4700 અને મુંબઈમાં લગભગ 5100 લોકોના મોત દર વર્ષે વાયુ પ્રદૂષણના કારણે થયા છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં સૌથી ઓછુ વાયુ પ્રદૂષણ જોવા મળ્યું છે. જોકે હજુ પણ પહાડી શહેરમાં વાયુ પ્રદૂષણનું સ્તર એક જોખમ જેવું છે. શિમલામાં દર વર્ષે 59 મોત થયા છે, જે કુલ મોતના 3.7 ટકા છે. આ રિપોર્ટ સસ્ટેનેબલ ફ્યુચર્સ કોલાબોરેટિવ, અશોકા યુનિવર્સિટી, સેન્ટર ફોર ક્રોનિક ડિસીઝ કંટ્રોલ, સ્વીડનની કેરોલિન્સ્કા સંસ્થા, હાર્વર્ડ અને બોસ્ટન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.