ઓડિશાના રાજ્યપાલના પુત્રએ અધિકારીને ઢીબી કાઢ્યો, પીડિતની પત્નીના ગંભીર આરોપ, જાણો મામલો
Image : IANS (File pic) |
Odisha Governor's Son Beats Up An Officer: પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો બાદ હવે ઓડિશાનું રાજભવન વિવાદોમાં ઘેરાયું છે. ઓડિશાના પુરીમાં રાજભવનના કર્મચારીની પત્નીએ રાજ્યપાલના પુત્ર અને અન્ય પાંચ લોકોએ તેમના પતિ પર હુમલો કર્યાનો ગંભીર આરોપો લગાવ્યા છે. જો કે આ ઘટના અંગે રાજભવન કે પોલીસ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
અધિકારીની પત્નીએ રાજ્યપાલ પુત્ર પર ગંભીર આરોપો લગાવ્યા
ઓડિશાના રાજ્યપાલના પુત્ર પર મારપીટનો આરોપ લાગ્યો છે. રાજભવનના જ એક અધિકારીની પત્નીએ રાજ્યપાલ રઘુબર દાસ (Raghubar Das)ના પુત્ર પર ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલાનો આરોપ છે કે પુરી રેલ્વે સ્ટેશન પર રાજ્યપાલના પુત્રને લેવા માટે લક્ઝરી કાર ન મોકલવા પર મારા પતિ સાથે મારપીટ કરવામાં આવી હતી. રાજભવનના અધિકારી (Raj Bhavan) બૈકુંતા પ્રધાન (Baikunta Pradhan) રાજ્યપાલ સચિવાલયના ગૃહ વિભાગમાં સહાયક વિભાગ અધિકારીના પદ પર છે.
પ્રધાને મુખ્ય સચિવને લેખિત ફરિયાદ કરી
મહિલાએ આરોપ મૂક્યો છે કે રઘુબર દાસના પુત્ર લલિત કુમાર અને અન્ય પાંચ લોકોએ તેમના પતિને 7 જુલાઈની રાત્રે પુરીમાં રાજભવન સંકુલમાં જ ઢોર માર માર્યો હતો. આ ઘટના બની ત્યારે અધિકારી બૈકુંતા પ્રધાન રાષ્ટ્રપતિને દ્રૌપદી મૂર્મુ (Draupadi Murmu)ની મુલાકાતની તૈયારીઓ પર દેખરેખ રાખવા માટે તહેનાત કર્યા હતા. પ્રધાને આ મામલે જુલાઈની 10મી તારીખે રાજ્યપાલના મુખ્ય સચિવને લેખિત ફરિયાદ કરી હતી. જોકે આ ઘટના અંગે રાજભવનના અધિકારીઓ અને મુખ્ય સચિવ શાશ્વત મિશ્રા તરફથી કોઈ સ્પષ્ટતા કે જવાબ આપવામાં આવ્યો નથી.