સિંહનું નામ અકબર અને સિંહણનું સીતા રાખવા બદલ મોટી કાર્યવાહી, IFS અધિકારીને કરી દેવાયા સસ્પેન્ડ

વિશ્વ હિન્દુ પરિષદે આ નામકરણ અંગે કલકત્તા હાઈકોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
સિંહનું નામ અકબર અને સિંહણનું સીતા રાખવા બદલ મોટી કાર્યવાહી, IFS અધિકારીને કરી દેવાયા સસ્પેન્ડ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 27 ફેબ્રુઆરી 2024, મંગળવાર

તાજેતરમાં જ એક પ્રાણી સંગ્રહાલયમાં સિંહનું નામ અકબર અને સિંહણનું નામ સીતા રાખવા મુદ્દે વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ આ મુદ્દો કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે બંગાળ સરકારને સિંહણનું નામ બદલીને વિવાદ ઠારવાનો આદેશ આપ્યો હતો. હવે આ મામલે ત્રિપુરા સરકારે મોટી કાર્યવાહી કરતા સિંહનું નામ અકબર અને સિંહણનું સીતા રાખનાર IFS અધિકારી પ્રવીણ અગ્રવાલને સસ્પેન્ડ કરી દીધા છે. 

આ મામલો કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યો હતો

આ સિંહ અને સિંહણને તાજેતરમાં ત્રિપુરાના સિપાહીજાલા પ્રાણી સંગ્રહાલયમાંથી પશ્ચિમ બંગાળના સફારી પાર્કમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં થોડા દિવસો બાદ તેમના નામને લઈને વિવાદ થયો હતો અને વિશ્વ હિન્દુ પરિષદે વિભાગના પગલાનો વિરોધ કર્યો હતો અને મામલો કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદે તેમના નામકરણ અંગે કલકત્તા હાઈકોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે આ નામો (અકબર અને સીતા) ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. આ સાથે જ માંગ કરી હતી કે, તેમના નામ બદલી દેવામાં આવે. 

IFS અધિકારીને કરી દેવાયા સસ્પેન્ડ

કોર્ટે સિંહણ અને સિંહણના નામ બદલવા માટે બંગાળ ઝૂ ઓથોરિટીને મૌખિક આદેશ આપતાં આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, આવા નામો આપીને વિવાદ શા માટે ઊભો કરવામાં આવે છે. ત્રિપુરા ફોરેસ્ટ સેક્રેટરી અવિનાશ કાનફાડેએ જણાવ્યું હતું કે, આ ઘટનાના સંબંધમાં પ્રધાન મુખ્ય વન સંરક્ષક અગ્રવાલને 22 ફેબ્રુઆરીએ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.


Google NewsGoogle News