સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, જમ્મુમાં સૈન્યના કાફલા પર હુમલો કરનારા 3 આતંકી ઠાર
Image Source: Twitter
Major Action By Security Forces: જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આજે વહેલી સવારે આતંકવાદીઓએ સૈન્ય એમ્બ્યુલન્સને નિશાન બનાવી હતી અને હુમલો કર્યો હતો. આ દરમિયાન આતંકવાદીઓએ 15-20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે, હવે સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળે હાલમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
સૈન્યના કાફલા પર હુમલો કરનારા 3 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં સોમવારે સુરક્ષાદળો સાથે અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, અથડામણ ત્યારે શરુ થઈ જ્યારે આતંકવાદીઓએ સવારે સેનાની એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો. જો કે, હજુ સુધી હુમલામાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી મળ્યા. સુરક્ષા દળોએ તરત જ જવાબી કાર્યવાહી કરતાં સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. ત્યારબાદ બંને તરફથી ગોળીબાર શરુ થયો હતો. હવે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે અને તેમના મૃતદેહ મળી આવ્યા છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આતંકવાદીઓ પહેલા મંદિરમાં ઘૂસી ગયા હતા એક મૂર્તિને ખંડિત કરી હતી. પરંતુ ત્યાં હાજર લોકોને કોઈ નુકસાન નહોતું પહોંચાડ્યું. ત્યાંથી ભાગતી વખતે આતંકવાદીઓએ સૈન્ય એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો.
આ પણ વાંચો: જમ્મુમાં ફરી આતંકી હુમલો, અખનૂરમાં સૈન્યની એમ્બ્યુલન્સ પર અંધાધૂંધ ગોળીબારથી ખળભળાટ
જમ્મુ-કાશ્મીરના અખનૂર શહેરના જોગવાન વિસ્તારમાં સોમવારે સવારે સૈન્યની એક એમ્બ્યુલન્સ જઈ રહી હતી. ત્યારે આતંકવાદીઓના એક જૂથે તેના પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ પોલીસ અને સેના ઍલર્ટ થઈ ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.