ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતાની દીકરીના થિંક ટેન્કનું FCRA કેન્સલ કર્યું
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 17 જાન્યુઆરી 2024 બુધવાર
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરની પુત્રી યામિની અય્યરના નેતૃત્વમાં ચાલનાર એક ફેમસ થિંક ટેન્કનું ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) કેન્સલ કરી દીધુ છે. આ થિંક ટેન્કનું નામ સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (CPR) છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર યામિની અય્યર સંસ્થાના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા.
ગૃહ મંત્રાલયના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નિયમોના ઉલ્લંઘનના કારણે સેન્ટર ફોર પોલિસી રિસર્ચનું FCRA લાયસન્સ રદ કરી દીધુ છે. સેન્ટર ફોર પોલિસી રિસર્ચ પહેલા પણ સરકારના રડાર પર હતુ. અગાઉ આ થિંક ટેન્ક પર ઈનકમ ટેક્સના સર્વે થઈ ચૂક્યા હતા. સૂત્રો અનુસાર ગયા વર્ષે માર્ચમાં ગૃહ મંત્રાલયે CPR ના FCRA લાયસન્સને સસ્પેન્ડ કર્યું હતુ. હવે MHAના FCRA ડિવિઝને આનું લાયસન્સ કેન્સલ કરી દીધુ છે.
CPR પર કયા આરોપ લાગ્યા હતા
સૂત્રો અનુસાર થિંક ટેન્ક CPRને કથિત રીતે ફોર્ડ ફાઉન્ડેશન સહિત ઘણા વિદેશી સંગઠનો પાસેથી ધન પ્રાપ્ત થયુ હતુ. થિંક ટેન્ક પર એ પણ આરોપ લાગ્યા કે તેણે ગુજરાતની સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડના એનજીઓને ફંડ આપ્યુ હતુ. જોકે ગૃહ મંત્રીએ વર્ષ 2016માં જ તિસ્તાના એનજીઓ સબરંગ ટ્રસ્ટનું FCRA લાયસન્સ રદ કરી દીધુ હતુ.