ગોવામાં પેરાગ્લાઈડિંગ વખતે મોટી દુર્ઘટના, ઉડાન વચ્ચે મહિલા ટુરિસ્ટ અને પાઈલટનું જમીન પર પટકાતાં મોત
Image Source: Twitter
Goa Paragliding Tragedy: ગોવામાં સલામતીના નિયમોની બેદરકારીના કારણે પેરાગ્લાઈડિંગ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં પુણેની એક મહિલા ટુરિસ્ટ અને નેપાળી પેરાગ્લાઈડિંગ પાઈલટનું મોત થઈ ગયું છે. પેરાગ્લાઈડિંગ કરતી વખતે દોરડું તૂટી જતાં બંનેના મોત થયા હતા. આ દુર્ઘટના 18 જાન્યુઆરીના રોજ કેરી પ્લેટુ પર જ્યારે પરવાનગી વિના અને સલામતીના સાધનો વિના પેરાગ્લાઈડિંગ કરાવવામાં આવી ત્યારે સર્જાઈ હતી. ગોવા પોલીસે કેસ નોંધીને પેરાગ્લાઈડિંગ કંપનીના માલિકની ધરપકડ કરી લીધી છે. તેના પર કથિત દોષિત હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
મહિલા ટુરિસ્ટ અને પાઈલટનું મોત
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ દુર્ઘટના 18 જાન્યુઆરીએ ગોવામાં સર્જાઈ હતી, જેમાં પુણેની રહેવાસી 27 વર્ષીય શિવાની અને 26 વર્ષીય પેરાગ્લાઈડિંગ પાઈલટ સુમન નેપાળીનું પેરાગ્લાઈડિંગ દરમિયાન મૃત્યુ થઈ ગયુ હતું. પોલીસનું કહેવું છે કે, સલામતીના નિયમોની અવગણના અને પરવાનગી વિના પેરાગ્લાઈડિંગના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે.
આ પણ વાંચો: સૈફ અલી ખાન પર હુમલો કરનાર બાંગ્લાદેશી હોવાની આશંકા, મુંબઈ પોલીસે સાચું નામ જાહેર કર્યું
કંપનીના માલિકની ધરપકડ
પોલીસે આ કેસમાં FIR નોંધીને પેરાગ્લાઈડિંગ કંપનીના માલિક શેખર રાયજાદાની ધરપકડ કરી લીધી છે. શેખર રાયજાદા પર આરોપ છે કે તેમણે પોતાની કંપનીના પાઈલટને પરવાનગી વગર અને સલામતીના સાધનોની વ્યવસ્થા કર્યા વિના વિદેશી ટુરિસ્ટો સાથે પેરાગ્લાઈડિંગ કરવાની મંજૂરી આપી હતી. અને આ કારણોસર બે લોકોએ જીવ ગુમાવ્યો છે.
પાઈલટને લાઈસન્સ વિના પેરાગ્લાઇડિંગ કરવાની મંજૂરી આપી
ગોવાના ડાયરેક્ટર જનરલ ઓફ આલોક કુમારે આ મામલે જણાવ્યું કે, કંપની અને તેના માલિક વિરુદ્ધ કથિત દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારી પરેશ કાલેએ જણાવ્યું કે, આરોપી શેખર રાયજાદાએ જાણી જોઈને પોતાની કંપનીના પાઈલટને લાઈસન્સ વિના પેરાગ્લાઇડિંગ કરવાની મંજૂરી આપી હતી, જેનાથી ટુરિસ્ટોના જીવ જોખમમાં મુકાયા હતા. અકસ્માતની તપાસ ચાલી રહી છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.