યુપીના કૌશાંબીમાં મોટી દુર્ઘટના, તળાવ કિનારે ભેખડ ધસી, 5 મહિલાના દટાઈ જતાં મોત
UP Kaushambi 5 Women died News : ઉત્તરપ્રદેશના કૌશાંબી જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ. અહીં ભેખડ ધસી પડતાં 5 મહિલા દટાઈ જતાં મૃત્યુ પામી. જેમાં એક 16 વર્ષની છોકરી પણ સામેલ હતી. જોકે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ...
આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં સન્નાટો પ્રસરી ગયો હતો. મૃતકોના ઘરમાં માતમની સ્થિતિ જોવા મળી. આ સમગ્ર ઘટના કોખરાજ પોલીસ સ્ટેશનની હાદમાં આવતા ટીકર ડીહ ગામમાં બની હતી. જ્યાં અમુક મહિલાઓ અને છોકરીઓ સરકારી તળાવમાંથી માટી લેવા પહોંચી હતી. ત્યારે ભેખડ ધસી પડતાં મહિલાઓ દટાઈ ગઇ હતી.
સ્થાનિકો મદદે આવ્યા પણ...
દુર્ઘટના વખતે આશરે ડઝનેક મહિલાઓ માટી નીચે દટાઈ હતી. જોકે ઘટનાસ્થળે બચાવ-બચાવની બૂમો સાંભળી ગામના લોકો દોડી આવ્યા હતા. જોકે ગ્રામીણો પહોંચ્યા ત્યાં સુધીમાં મોડું થઇ ગયું હતું કેમ કે પાંચ મહિલાઓ ત્યાં સુધીમાં મૃત્યુ પામી ચૂકી હતી. હાલમાં પોલીસે તમામ મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જોકે ઘાયલોની સારવાર ચાલી રહી છે.