'એથિક્સ કમિટીની તપાસમાં વસ્ત્રહરણ કરાયું' લોકસભા સ્પીકરને પત્ર લખી મહુઆએ મૂક્યો મોટો આરોપ

તેમણે કહ્યું કે કમિટીની બેઠક દરમિયાન તેમની સાથે અનૈતિક અને અભદ્ર વર્તન કરાયું

વિનોદ સોનકરે સ્પષ્ટતા કરતાં કહ્યું કે જવાબ આપવાને બદલે મહુઆ મોઇત્રાએ ગુસ્સામાં અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
'એથિક્સ કમિટીની તપાસમાં વસ્ત્રહરણ કરાયું' લોકસભા સ્પીકરને પત્ર લખી મહુઆએ મૂક્યો મોટો આરોપ 1 - image

Cash For Query Controversy:  પ્રશ્નો પૂછવાના બદલામાં પૈસા લેવાના આરોપને લઈને વિવાદ શમી રહ્યો નથી. તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ મહુઆ મોઇત્રાએ ફરી (Mahua Moitra another letter) લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે એથિક્સ કમિટી સમક્ષ જ્યારે તેઓ હાજર થયા ત્યારે તેમનું વસ્ત્રહરણ કરાયું.  તેમણે કહ્યું કે કમિટીની બેઠક દરમિયાન તેમની સાથે અનૈતિક અને અભદ્ર વર્તન કરાયું. 

મહુઆએ મૂક્યો મોટો આરોપ 

મહુઆ મોઈત્રાએ એવો આક્ષેપ કર્યો હતો કે સમિતિના અધ્યક્ષ ભાજપ સાંસદ વિનોદ કુમાર સોનકરે કેસ સંબંધિત પ્રશ્નો પૂછવાને બદલે તેમને દુર્ભાવનાપૂર્ણ અને અપમાનજનક રીતે પ્રશ્ન કરીને પૂર્વાગ્રહનો પુરાવો આપ્યો હતો. ખરેખર તો મહુઆ મોઇત્રા અને બસપાના  સાંસદ દાનિશ અલી સહિત ઘણા વિપક્ષી સાંસદો એથિક્સ કમિટીની બેઠકમાંથી બહાર આવ્યા ત્યારે ભારે ગુસ્સામાં દેખાઈ રહ્યા હતા. 

દાનિશ અલીએ શું કહ્યું 

કમિટી સમક્ષ હાજર થયા બાદ બહાર આવેલા દાનિશ અલીએ કહ્યું કે મીટિંગમાં તેમનું પણ વસ્ત્રહરણ કરાયું. તેમને અનૈતિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. રાતે કોની સાથે વાત થતી હતી એવા સવાલો પૂછવામાં આવ્યા હતા. જોકે આ તમામ પ્રકારના આરોપોને સોનકરે ફગાવી દીધા હતા. 

મહુઆ મોઇત્રાએ શું કહ્યું?

મોઇત્રાએ પત્રમાં લખ્યું છે કે,  હું ખૂબ જ વ્યથિત થઈને આજે તમને એથિક્સ કમિટીની સુનાવણી દરમિયાન કમિટીના અધ્યક્ષના મારા પ્રત્યેના અનૈતિક, ઘૃણાસ્પદ અને પૂર્વગ્રહયુક્ત વર્તન વિશે જણાવવા માટે લખી પત્ર લખી રહી છું. જો કહેવતની ભાષામાં કહીએ તો સમિતિના સભ્યોની હાજરીમાં આજે મારું વસ્ત્રહરણ કરાયું. તેમણે કહ્યું કે કમિટીએ પોતાનું નામ એથિક્સ કમિટી ન રાખવું જોઈએ કારણ કે તેમાં કોઈ નૈતિકતા અને નૈતિકતા રહી જ નથી. વિષય સંબંધિત પ્રશ્નો પૂછવાને બદલે કમિટીના અધ્યક્ષે મને દુર્ભાવનાપૂર્ણ અને અપમાનજનક રીતે સવાલ પૂછીને નક્કી પૂર્વાગ્રહનું પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન હાજર 11 સભ્યોમાંથી પાંચે તો તેમના શરમજનક આચરણના વિરોધમાં વૉકઆઉટ કર્યું હતું. 

વિનોદ સોનકરે શું કહ્યું?

મોઇત્રાના આક્ષેપો અને વિપક્ષી સાંસદોના વોકઆઉટ બાદ વિનોદ સોનકરે સ્પષ્ટતા કરતાં કહ્યું કે જવાબ આપવાને બદલે મહુઆ મોઇત્રાએ ગુસ્સામાં અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ હાલમાં જ આરોપ લગાવ્યો હતો કે મોઇત્રાએ સંસદમાં પ્રશ્નો પૂછવા માટે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી પૈસા લીધા હતા. 

'એથિક્સ કમિટીની તપાસમાં વસ્ત્રહરણ કરાયું' લોકસભા સ્પીકરને પત્ર લખી મહુઆએ મૂક્યો મોટો આરોપ 2 - image


Google NewsGoogle News