'અદાણી વિરુદ્ધ બોલવા માટે હું પોતે દર્શન હીરાનંદાનીને પૈસા આપી શકુ છુ': આરોપો પર ભડકી મહુઆ મોઈત્રા

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
'અદાણી વિરુદ્ધ બોલવા માટે હું પોતે દર્શન હીરાનંદાનીને પૈસા આપી શકુ છુ': આરોપો પર ભડકી મહુઆ મોઈત્રા 1 - image


Image Source: Twitter

- મહુઆ મોઈત્રા દ્વારા ટીવી ઈન્ટરવ્યુમાં સામેલ થવા પર ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ નાશાન સાધ્યુ

નવી દિલ્હી, તા. 29 ઓક્ટોબર 2023, રવિવાર

પૈસા લઈને સંસદમાં સવાલો પૂછવાના આરોપોથી ઘેરાયેલા TMC સાંસદ મહુઆ મોઈત્રાએ એક ઈન્ટરવ્યુમાં પોતાના ઉપર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે, અદાણી વિરુદ્ધ બોલવા માટે દર્શન હીરાનંદાનીએ મને પૈસા આપવાની જરૂર નથી. હું ખુદ અદાણી વિરુદ્ધ બોલી શકુ છું અને અદાણી વિરુદ્ધ બોલવા માટે હું પોતે દર્શન હીરાનંદાનીને પૈસા આપી શકુ છુ. 

નિશિકાંત દૂબેએ સાધ્યુ નિશાન

મહુઆ મોઈત્રા દ્વારા ટીવી ઈન્ટરવ્યુમાં સામેલ થવા પર ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ નાશાન સાધ્યુ છે. તેમણે આરોપ લગાવ્યો કે, મહુઆ મોઈત્રા પાસે સંસદની એથિક્સ કમિટિ સામે રજૂ થવાનો સમય નથી પરંતુ ઈન્ટરવ્યુ આપવાનો સમય છે. એથિક્સ કમિટિએ મહુઆ મોઈત્રાને 31 ઓક્ટોબરના રોજ રજૂ થવાનો સમય આપ્યો હતો. જોકે, મહુઆ મોઈત્રાએ પોતાના સંસદીય ક્ષેત્રમાં જરૂરી કામોનો હવાલો આપીને 5 નવેમ્બર બાદ રજૂ થવાની વાત કહી હતી. જોકે, એથિક્સ કમિટિએ મહુઆ મોઈત્રાને 2 નવેમ્બરના રોજ રજૂ થવાનો સમય આપ્યો છે.

દર્શન હિરાનંદાનીના સોગંદનામાનો કર્યો ઉલ્લેખ

નિશિકાંત દૂબેએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યુ કે, તેમણે આ મામલે હજુ સુધી કોઈ મીડિયાને ઈન્ટરવ્યુ નથી આપ્યુ અને સંસદની ગરિમા બનાવી રાખી છે. ભાજપ સાંસદે મહુઆ મોઈત્રાના દાવા પર કહ્યું કે, દર્શન હીરાનંદાનીએ સોગંદનામું આપીને તેમને કિંમતી સામાન અને અન્ય ખર્ચાઓ ઉઠાવવાની વાત સ્વીકારી છે. તેમણે કહ્યું કે, કમિટિના રિપોર્ટની રાહ જોવી જોઈએ અને સંસદને નિર્ણય કરવા દેવો જોઈએ.

મહુઆએ આપ્યા આરોપોના જવાબ

મહુઆ મોઈત્રાએ દર્શન હિરાનંદાનીને તેના સંસદીય લોગિન પાસવર્ડ આપવાના આરોપ પર કહ્યું કે આ કોઈ ગોપનીય મામલો નથી કારણ કે જો આવું છે તો પછી બધા સાંસદો તેમની ટીમના સભ્યોને તેમના લોગિન પાસવર્ડ શા માટે આપી રાખે છે? મહુઆએ કહ્યું કે ટીએમસી ચીફ મમતા બેનર્જીએ તેમના મામલે બોલવાની જરૂર નથી. મહુઆએ કહ્યું કે પાર્ટીનું ફોકસ ઘણા મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ પર છે અને તેમની પાર્ટી આ વાહિયાત આરોપો સાંભળવા માટે ઈચ્છુક નથી. હું મારી ખુદ આ આરોપોનો સામનો કરી શકું છું અને જવાબ આપી શકું છું.



Google NewsGoogle News