'પુરાવા વિના મને દંડિત કરાઈ...' લોકસભાનું સાંસદ પદ છીનવાઈ જતાં મહુઆ મોઈત્રાની પહેલી પ્રતિક્રિયા
કહ્યું - આ મોદી સરકારના અંતની શરૂઆત
વિપક્ષના સાથીઓએ સંસદની બહાર દેખાવોમાં મહુઆ પ્રત્યે એકજૂટતા દર્શાવી
Mahua Moitra News | મહુઆ મોઈત્રાનું સાંસદ તરીકેનું પદ છીનવાઈ ગયું છે. તેઓ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી વતી સાંસદ હતા. એથિક્સ કમિટી દ્વારા પૈસા લઈને સંસદમાં સવાલો પૂછવાના કેસમાં તેમની સામે રિપોર્ટ રજૂ કરાયો હતો. આ રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવતાં ભારે હોબાળો થયો હતો. જેના પછી વોટિંગ કરાવીને આ રિપોર્ટની તરફેણમાં પ્રસ્તાવને ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જેનાથી મહુઆનું સાંસદ પદ રદ થઈ ગયું હતું. હવે આ મામલે મહુઆ મોઈત્રાની પ્રતિક્રિયા સામે આવી છે.
સાંસદ પદ છીનવાયા બાદ મહુઆ મોઈત્રાએ શું કહ્યું?
મહુઆ મોઈત્રાએ કહ્યું કે મે અદાણીનો મુદ્દો ઊઠાવ્યો એટલા માટે જ મારું સાંસદ પદ છીનવી લેવામાં આવ્યું છે. એથિક્સ કમિટીએ તથ્યોની તપાસ જ નથી કરી. સોગંદનામામાં વિગતો જ જુદી છે. મારી વિરુદ્ધ કેશ કે ગિફ્ટ્સ લેવાના કોઇ પુરાવા જ નથી. તેમણે સવાલ કર્યો કે મારી વિરુદ્ધ તપાસ માટે એથિક્સ કમિટીએ બિઝનેસમેન હીરાનંદાણીને કેમ ન બોલાવ્યાં? મારી વિરુદ્ધ કોઈ પુરાવા નથી છતાં મને દંડિત કરવામાં આવી. મહુઆએ કહ્યું કે આ મોદી સરકારના અંતની શરૂઆત થઈ ચૂકી છે. સાંસદ પદ છીનવાઈ જતાં મોટાભાગના વિપક્ષી દળોએ મહુઆ મોઈત્રા પ્રત્યે સમર્થન દર્શાવ્યું હતું. વિપક્ષોએ સંસદની બહાર દેખાવોમાં પણ ભાગ લીધો હતો.
શું હતો કેસ?
ઉલ્લેખનીય છે કે મહુઆ મોઇત્રા પર બિઝનેસમેન દર્શન હીરાનંદાણી પાસેથી પૈસા લઈને અદાણી અંગે લોકસભામાં સવાલો પૂછવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. આ મામલે તેમના પર બિઝનેસમેન પાસેથી પૈસા અને ગિફ્ટ્સ પણ લેવાના આરોપ લાગ્યા હતા. ત્યારબાદ ભાજપના સાંસદના આરોપો બાદ મહુઆએ એ વાત પણ સ્વીકારી હતી કે તેમણે બિઝનેસમેનને તેમના સંસદના લોગઈન અને પાસવર્ડ આપ્યા હતા.