પૈસા બદલ પ્રશ્નો પૂછવાના કેસ બાદ મહુઆ મોઈત્રા હવે નવા વિવાદોમાં ફસાયા, જાણો શું છે મામલો

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
પૈસા બદલ પ્રશ્નો પૂછવાના કેસ બાદ મહુઆ મોઈત્રા હવે નવા વિવાદોમાં ફસાયા, જાણો શું છે મામલો 1 - image


Image Source: Twitter

- TMC નેતા 2019માં સુહાન મુખર્જી નામના વ્યક્તિને ટ્રેક કરી રહ્યા હતા

નવી દિલ્હી, તા. 03 જાન્યુઆરી 2023, બુધવાર

સંસદમાં પૈસા બદલ પ્રશ્નો પૂછવાના કેસમાં સંસદ સભ્યપદ ગુમાવનાર TMC નેતા મહુઆ મોઈત્રા હવે નવા વિવાદમાં ફસાતા નજર આવી રહ્યા છે. જે વ્યક્તિએ પૈસા બદલ પ્રશ્નો પૂછવાના આરોપો લગાવ્યા હતા તે જ વ્યક્તિએ ફરી મહુઆ મોઈત્રા પર પશ્ચિમ બંગાળ પોલીસની મદદથી ગેરકાયદેસર દેખરેખ કરાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદ્રાઈએ આરોપ લગાવ્યો છે કે TMC નેતા મહુઆ મોઈત્રા તેના પૂર્વ પ્રેમી પર ગેરકાયદેસર દેખરેખ રખાવી રહી હતી.

 વરિષ્ઠ અધિકારીઓ સાથે પોતાનો પ્રભાવ અને સબંધોનો દુરુપયોગ

29 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને CBI ડાયરેક્ટર પ્રવીણ સૂદને લખેલા પત્રમાં દેહાદ્રાઈએ જણાવ્યું હતું કે એવી સંભાવના હોઈ શકે છે કે TMC નેતા મારા ફોન નંબરનો ઉપયોગ કરીને મારા ભૌતિક સ્થાનને ટ્રેક કરી રહી છે. દેહાદ્રાઈએ પત્રમાં આરોપ લગાવ્યો છે કે મોઈત્રાએ ખાનગી વ્યક્તિઓના કોલ ડિટેઈલ રેકોર્ડ્સ (સીડીઆર) પ્રાપ્ત કરવા માટે પશ્ચિમ બંગાળ પોલીસના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ સાથે પોતાનો પ્રભાવ અને સબંધોનો દુરુપયોગ કરવાનો એક ઈતિહાસ રહ્યો છે.

 2019માં સુહાન મુખર્જી નામના વ્યક્તિને ટ્રેક કરી રહ્યા હતા

દેહાદ્રાઈએ પોતાની ફરિયાદમાં એમ પણ કહ્યું હતું કે અગાઉ પણ TMC નેતા 2019માં સુહાન મુખર્જી નામના વ્યક્તિને ટ્રેક કરી રહ્યા હતા. દેહાદ્રાઈનાએ કહ્યું કે, મોઈત્રાએ અગાઉ પણ અનેક વખત મૌખિક અને લેખિત રૂપમાં (26.09.2019ના રોજ વોટ્સેપ પર) જણાવ્યું હતું કે, તે પોતાના પૂર્વ પ્રેમી સુહાન મુખર્જી પર સક્રિય નજર રાખી રહી છે કારણ કે, તેને તેના પર એક જર્મન મહિલા સાથે સબંધ હોવાની શંકા હતી.

સુપ્રીમ કોર્ટના વકીલ દેહાદ્રાઈએ પોતાની ફરિયાદમાં કેટલીક ચેટના સ્ક્રીનશૉટ્સ અને કથિત CDR લિસ્ટને જોડતા કહ્યું કે, મને એ જાણીને આશ્ચર્ય થયું કે, બંગાળના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની મદદથી મોઈત્રા પાસે તેના પૂર્વ પ્રેમીની સમગ્ર કોલ ડિટેલ રેકોર્ડ છે. જેમાં એ વ્યક્તિઓ વિશે સટીક જાણકારી છે જે લોકો તેના પૂર્વ પ્રેમીના સંપર્કમાં હતા અને આ સાથે જ દિવસના તમામ કલાકોની તેમના ફોનમાં સટીક લોકેશનની પણ જાણકારી છે.

બીજી તરફ તાજેતરના આરોપો અને CBI તપાસની માંગ પર પ્રતિક્રિયા આપતા મહુઆ મોઈત્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કટાક્ષ કરતા લખ્યું કે, હું ગૃહમંત્રાલયને આગ્રહ કરું છું કે, ભારતના તમામ એક્સ બોયફ્રેન્ડ્સની ફરિયાદોની તપાસ માટે એક સ્પેશિયલ CBI ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવે. જોકે, થોડા જ કલાકો બાદ મહુઆએ આ પોસ્ટ ડિલીટ પણ નાખી હતી. તમને જણાવી દઈએ કે, દેહાદ્રાઈ પણ મહુઆ મોઈત્રા સાથે રિલેશનશિપમાં રહી ચૂક્યો છે. 



Google NewsGoogle News