મહુઆ મોઈત્રાએ લોકસભાની સદસ્યતા રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
Image Source: Twitter
- 'કેશ ફોર ક્વેરી' મામલે મહુઆ વિરુદ્ધ કાર્યવાહી કરતા લોકસભાની તેમની સદસ્યતા રદ કરી દેવામાં આવી હતી
નવી દિલ્હી, તા. 11 ડિસેમ્બર 2023, સોમવાર
Cash For Query Case: TMC નેતા મહુઆ મોઈત્રાએ લોકસભાની સદસ્યતા રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમણે અરજી દાખલ કરીને પોતાના વિરુદ્ધ એથિક્સ કમિટીની ભલામણ અને ત્યારબાદ લોકસભામાંથી પ્રસ્તાવ પસાર થયો તેને ખોટો ગણાવ્યો છે. કેશ ફોર ક્વેરી એટલે કે, પૈસા લઈને સવાલ પૂછવાના મામલે મહુઆ વિરુદ્ધ કાર્યવાહી કરતા લોકસભાની તેમની સદસ્યતા રદ કરી દેવામાં આવી છે. મહુઆ મોઈત્રાએ પોતાના પર લાગેલા આરોપોનો ઈનકાર કર્યો છે.
લોકસભાની એથિક્સ કમિટીને તેની તપાસમાં જાણવા મળ્યું કે, મહુઆ મોઈત્રાએ બિઝનેસમેન દર્શન હિરાનંદાનીને સંસદીય લોગિન આઈડી-પાસવર્ડ આપ્યો હતો. TMCના એક નેતા દ્વારા આવું કરવાના કારણે દેશની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો પહોંચ્યો હતો. એથિક્સ કમિટીને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે, લોગિન આઈડી-પાસવર્ડ આપવાના બદલામાં મહુઆને હિરાનંદાની દ્વારા કેશ અને ગીફ્ટ પણ મળ્યા હતા. આ બાબતોને ધ્યાનમાં રાખતા એથિક્સ કમિટીએ મહુઆનું સંસદનું સભ્યપદ રદ કર્યું હતું.
મહુઆએ આરોપોનો ઈનકાર કર્યો
મહુઆએ એથિક્સ કમિટીના નિર્ણય બાદ કહ્યું કે કમિટીને તેમની સદસ્યતા રદ કરવાનો કોઈ અધિકાર નથી. તેણે એમ પણ કહ્યું હતું કે, તેણે બિઝનેસમેન હિરાનંદાની પાસેથી કેશ લીધા હોવાના તેમની પાસે કોઈ પુરાવા નથી. આ આરોપ સૌથી પહેલા બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ લગાવ્યો હતો જેના પર કાર્યવાહી કરતા મહુઆની સદસ્યતા રદ કરી દેવામાં આવી. મહુઆએ એમ પણ કહ્યું કે, તેમને હિરાનંદાની અને તેના પૂર્વ પાર્ટનર જય અનંત દેહદરાય સાથે સવાલ-જવાબની પણ તક ન મળી.
TMCની ટીકિટ પર મહુઆ મોઈત્રા પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર સીટ પરથીજીતીને પહેલી વખત સંસદમાં પહોંચ્યા હતા. તેમને શુક્રવારે (8 ડિસેમ્બર) સંસદમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. એથિક્સ કમિટીને પોતાના રિપોર્ટમાં જાણવા મળ્યુ કે, મહુઆનું વર્તન અનૈતિક અને અશોભનીય રહ્યું છે. જેના કારણે તેની હકાલપટ્ટીનો રસ્તો સાફ થઈ ગયો હતો.