Get The App

‘બ્રાહ્મણ CMની નીચે બે મરાઠા ડેપ્યુટી CM નહીં ચાલે', મહારાષ્ટ્રમાં BJP સંકટમાં-શિવસેનાએ જીદ પકડી

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
‘બ્રાહ્મણ CMની નીચે બે મરાઠા ડેપ્યુટી CM નહીં ચાલે', મહારાષ્ટ્રમાં BJP સંકટમાં-શિવસેનાએ જીદ પકડી 1 - image


Maharashtra Politics News : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની જીત થયાને છ દિવસ વીતી ગયા છે, તેમ છતાં હજુ સુધી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી નથી. આ મુદ્દો ઉકેલવા માટે ગઠબંધનમાં સામેલ ત્રણે પક્ષો ભાજપ-શિવસેના-એનસીપીના નેતાઓની દિલ્હીમાં ગૃહમંત્રીના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી, જોકે તેમાં પણ નિવેડો ન આવ્યો હોવાની ચર્ચા સામે આવી છે. એકતરફ પરિણામના ત્રણ દિવસ બાદ શિંદેએ મુખ્યમંત્રીનો નિર્ણય ભાજપ હાઈકમાન્ડ પર છોડ્યો છે, તો બીજીતરફ તેમણે હાઈકમાન્ડ સમક્ષ મોટી શરતો મૂકી હોવાની ચર્ચાઓ છે.

ગૃહમંત્રીના ઘરે ત્રણ કલાકની બેઠકમાં ન ઉકેલાયો મહારાષ્ટ્રનો મુદ્દો

મળતા અહેવાલો મુજબ ભાજપે એકનાથ શિંદેને મનાવવા માટે અનેક પ્રસ્તાવ મૂક્યા છે, જોકે તેઓ તેનો ઈન્કાર કરી રહ્યા છે. મહારાષ્ટ્રનો મુદ્દો ઉકેલવા માટે ગઈકાલે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ના નિવાસ સ્થાને ત્રણ કલાક સુધી બેઠક યોજાઈ હતી, જેમાં BJP નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis), શિવસેના (Shiv Sena) પ્રમુખ એકનાથ શિંદે (Eknath Shinde) અને NCP પ્રમુખ અજિત પવાર (Ajit Pawar), પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાજ્યના નવા મુખ્યમંત્રી તેમજ કેબિનેટનો મુદ્દો ઉકેલાયો ન હોવાની વિગતો સામે આવી છે. આ ઉપરાંત મુંબઈ (Mumbai)માં બેઠક યોજવાનો પ્રસ્તાવ રખાયો હતો, જોકે શિંદે બેઠક પહેલા જ પોતાના ગામ જતા રહ્યા છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રનાં રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ ! શિંદેએ શરદ જૂથના દિગ્ગજ નેતા સાથે કરી મુલાકાત

શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવાની ભાજપની ઈચ્છા, શાહે પણ સમજાવ્યા

મીડિયા અહેવાલો મુજબ ગઈકાલે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં અમિત શાહે સ્પષ્ટ કહ્યું છે કે, દેવેન્દ્ર ફડણવીસ જ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બનશે. ભાજપે શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવાની ઓફર આપી હોવાની ચર્ચા છે. તેમણે કહ્યું કે, શિંદેને નાયબ મુખ્યમંત્રી બનશે, તો લોકોમાં મહાયુતિ (Mahayuti)ની એકતાનો સંદેશ જશે. શાહે ફડણવીસ સહિત અન્ય દિગ્ગજ નેતાઓનો ઉલ્લેખ કરી કહ્યું કે, એક સમયે તેઓ મોટા પદ પર રહ્યા હતા, તેમ છતાં પછી તેમણે અન્ય જવાબદારીઓ નિભાવી. શાહે આ દલીલ કરવા છતાં શિંદે માન્ય નથી. હવે શિવસેનાની નવી દલીલ સામે આવી છે.

‘બ્રાહ્મણ CMની નીચે બે મરાઠા ડેપ્યુટી CM નહીં ચાલે’

શિવસેનાએ કહ્યું છે કે, ‘દેવેન્દ્ર ફડણવીસ બ્રાહ્મણ જ્ઞાતિના છે. તેમની નીચે બે મરાઠા નેતા અજિત પવાર અને એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવાથી રાજકીય ભૂલ સાબિત થઈ શકે છે. મરાઠા મતદારોને આ ગમશે નહીં. શિવસેના નેતા સંજય શિરસાટે કહ્યું કે, ‘શિંદે ક્યારે નાયબ મુખ્યમંત્રીનું પદ સ્વિકારશે નહીં.’

આ પણ વાંચો : સંસદમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે પ્રિયંકા ગાંધી, કોંગ્રેસમાં પણ જોવા મળશે મોટા ફેરબદલ

શિંદે મંત્રી બનશે, પણ નાયબ મુખ્યમંત્રી નહીં : શિવસેના નેતા

બેઠકોની ગણતરી મુજબ ભાજપ અજિત પવારનું સમર્થન મેળવી સરકાર બનાવી શકે છે, જોકે તેઓ શિંદેને છોડવા તૈયાર નથી. વર્તમાન પડકારો છતાં શિવસેના અને એકનાથ શિંદે ભાજપના સૌથી ભરોસાપાત્ર છે. ભાજપ પ્રયાસો કરી રહી છે કે, શિંદે કોઈપણ પરિસ્થિતિમાં ભાજપનો હિસ્સો બની જશે. મુખ્યમંત્રી પદ છોડવાના બદલામાં શિંદે મોટા વિભાગો મેળવવાની તૈયારીમાં છે. કેન્દ્રની મોદી સરકારે શિંદેને મોટા મંત્રાલયોની ઓફર કરી છે અને તેનો પણ તેમણે ઈન્કાર કરી દીધો છે.

રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ એકનાથ શિંદે કોઈપણ રીતે મહારાષ્ટ્ર છોડવાના મૂડમાં નથી. તેમણે ભાજપ પાસે વિધાન પરિષદના અધ્યક્ષ પદ માગ્યું છે. આ ઉપરાંત ગૃહમંત્રાલય પણ લેવા અડગ છે. શિંદેના નજીકના સંજય શિરસાટે કહ્યું કે, શિંદે મહારાષ્ટ્રની નવી કેબિનેટમાં સામેલ થઈ શકે છે, પરંતુ તેમને મુખ્યમંત્રી પદ બાદ નાયબ મુખ્યમંત્રી પદ સ્વિકાર નથી. શિવસેના કોઈ અન્ય નેતાને નાયબ મુખ્યમંત્રી બનાવી શકે છે.

આ પણ વાંચો : UNની મોટી જાહેરાત, અનેક દેશોમાં 6000 સૈનિકો તહેનાત કરનાર ભારતને ફરી સોંપી મોટી જવાબદારી


Google NewsGoogle News