શિંદે કે અજિત, ભાજપ સૌથી વધુ મંત્રાલય કોને આપશે? ફૉર્મ્યૂલા લગભગ તૈયાર
Maharashtra Cabinet Expansion : ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં ત્રીજી વખત મુખ્યમંત્રી બની ગયા છે. તેમણે આજે મુંબઈમાં યોજાયેલા ભવ્ય સમારંભમાં નવા મુખ્યમંત્રી તરીકેના શપથગ્રહણ કર્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિની નવી સરકારની રચના થઈ છે, ત્યારે હવે મંત્રી પદને લઈને મહાયુતિના સહયોગી પક્ષોમાં વિચાર વિમર્ચ ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે જાણકારી મળી છે કે, એકનાથ શિંદેને ખુશ કરવા માટે ભાજપ મંત્રી પદમાં સમજૌતા કરી શકે છે અને સંખ્યા ઘટાડી શકે છે.
મીડિયા અહેવાલ મુજબ, મહારાષ્ટ્રમાં સરકાર બનવાની સાથે હવે ભાજપે શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદેને ખુશ કરવાની કવાયત હાથ ધરી છે. એવામાં શિવસેનાને અજિત પવારની એનસીપીને સૌથી વધુ બેઠકો મળી શકે છે. જ્યારે એકનાથ શિંદેને 12-13 મંત્રી પદ મળી શકે છે. તો અજિત પવારને 8-10 મંત્રી પદ મળી શકે છે. ભાજપ પોતાના માટે 18-20 મંત્રી રાખવા વિશે વિચાર કરી શકે છે.
ભાજપના કેટલાક નિર્ણયથી શિંદે નારાજ?
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત બાદ ભાજપના કેટલાક નિર્ણયથી એકનાથ શિંદે નારાજ જોવા મળ્યાં હતા. દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવાના નિર્ણય સામે શિંદેએ મૌન ધારણ કર્યું હતું અને થોડા સમય માટે પોતાના ગામડે પણ જતા રહ્યાં હતા. ભાજપે એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવાની ઓફર કરી હતી, પરંતુ શિંદેએ તેને ન સ્વીકારીને મૌન યથાવત રાખ્યું હતું.
આ સમયે એક વાત સામે આવી રહી હતી કે, એકનાથ શિંદે પોતાના દીકરા માટે નાયબ મુખ્યમંત્રીનું પદ અને પોતાના માટે વિધાનસભા પરિષદ અધ્યક્ષના પદની માગ કરી રહ્યા છે. આ ઉપરાંત, તેવું પણ સામે આવ્યું હતું કે, તેઓ પોતાની પાર્ટી માટે ગૃહ મંત્રાલયના પદની પણ માગ કરી રહ્યા. પરંતુ ભાજપે તેમની સાથે વાતચીત કરી અને થોડા સમય પછી એકનાથ શિંદેએ નાયબ મુખ્યમંત્રીના પદનો સ્વીકાર કર્યો.
એકનાથ શિંદેએ શું કહ્યું?
ભાજપ હાઈકમાન્ડ સાથે વાત કર્યા બાદ શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, તેઓ કોઈ વાતથી નારાજ નથી, પરંતુ તબિયત ખરાબ હોવાને કારણે ગામ ગયા. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પણ નિર્ણય લેશે, તેઓ તેનું સમર્થન કરશે અને ખુશીથી સરકાર બનાવશે. પરંતુ માનવામાં આવે છે કે, એકનાથ શિંદે પાસેથી મુખ્યમંત્રીનું પદ લીધા બાદ ભાજપ તેમને ખુશ કરવા માટે શિવસેનાને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.