પત્તું કપાવાનો ડર કે અસંતોષ? મહારાષ્ટ્રમાં શરદનો 'પાવર' વધ્યો, સત્તાધારી ગઠબંધનનું ટેન્શન વધ્યું!
ઘણાં નેતાઓને લાગે છે કે તેમને ટિકિટ નહીં મળે એટલે હવે પાછા મહાવિકાસ અઘાડી તરફ મીટ માંડી
Lok Sabha Elections 2024 | મહારાષ્ટ્રના સત્તાધારી ગઠબંધનના અસંતુષ્ટ નેતાઓ હવે મહા વિકાસ આઘાડી (MVA) કેમ્પ તરફ લોકસભાની ટિકિટ મેળવવા વલખાં મારી રહ્યા છે. એટલા માટે તેમણે શરદ પવારનો ફરી સંપર્ક શરૂ કરી દીધો છે. ખરેખર ભાજપ (BJP), શિવસેના (એકનાથ શિંદે) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર) ના 'ગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી લગભગ ફાઈનલ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઘણાં નેતાઓને લાગે છે કે તેમને ટિકિટ નહીં મળે. આ ડરના કારણે તેમણે હવે વિપક્ષી છાવણી સાથે સંપર્કો બનાવવાનું શરૂ કરી દીધું છે.
અજિત સમર્થક નેતાની શરદ પવારની એનસીપીમાં વાપસી
બુધવારે બીડ જિલ્લા NCP નેતા બજરંગ સોનાવણે પૂણેમાં એક કાર્યક્રમમાં NCP (શરદચંદ્ર પવાર)માં જોડાયા હતા. સોનવણેએ પક્ષના વિભાજન વખતે અજિત પવારનો પક્ષ લીધો હતો. ભાજપે પંકજા મુંડેને બીડમાંથી મેદાનમાં ઉતારતા નારાજ સોનાવણેએ પક્ષ બદલી નાખ્યો. મહારાષ્ટ્રની 48 સીટો માટે લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી 20 મે વચ્ચે પાંચ તબક્કામાં યોજાશે. 4 જૂને મતગણતરી થશે.
પવારે શું કહ્યું... ?
શરદ પવારે કહ્યું કે, ‘મારી પાર્ટી બીડના ઉમેદવારને અંતિમ રૂપ આપતા પહેલા ચર્ચા કરશે. સીટ માટે મતદાન ચોથા તબક્કામાં થવાનું છે અને નિર્ણય લેવા માટે હજુ ઘણો સમય છે. પાર્ટી કમિટી ઉમેદવાર નક્કી કરશે અને સોનાવણેએ કહ્યું છે કે, તેઓ નિર્ણય સ્વીકારશે.’ સોનવણે છેલ્લી ચૂંટણીમાં ઓછા અંતરથી હારી ગયા હતા. જો કે, તેમણે બીડમાં પાર્ટીને મજબૂત કરવાની દિશામાં કામ કરવા સંમતિ આપી છે. સોનાવણેએ 2019ની ચૂંટણી NCPના ઉમેદવાર તરીકે ભાજપના પ્રીતમ મુંડે સામે લડી હતી. આ દરમિયાન સોનવણેએ કહ્યું કે, ‘હું હારી ગયો, પણ મને પાંચ લાખથી વધુ મત મળ્યા. મારા કાર્યકરોને લાગવા માંડ્યું કે તેઓને સન્માન નથી મળતું (એનસીપીમાં વિભાજન પછી), અને તેથી મેં પવાર સાહેબ સાથે જોડાણ કરવાનું નક્કી કર્યું.’
વિરોધી તરીકે લડનારા પણ શરદ પવારને મળવા પહોંચ્યા...
રાષ્ટ્રીય સમાજ પક્ષના સ્થાપક મહાદેવ જાનકરે પણ બુધવારે સવારે પૂણેમાં પવારના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. તેમણે 2019માં છેલ્લી લોકસભા ચૂંટણી બારામતીથી પવારની પુત્રી સુપ્રિયા સૂલે સામે લડી હતી. હવે તે માધા બેઠક પરથી MVA ઉમેદવાર તરીકે ભાજપના રણજીતસિંહ નાઈક નિમ્બાલકર સામે ચૂંટણી લડવા માંગે છે. તેમણે દાવો કર્યો કે શરદ પવારે તેમને ‘સકારાત્મક રહેવા’ની ખાતરી આપી છે.
વર્તમાન ધારાસભ્યએ પણ મુલાકાત કરી હોવાની ચર્ચા
અગાઉ ભાજપે અહેમદનગરથી સત્તાધારી ગઠબંધનના ઉમેદવાર તરીકે સુજય વિખે પાટીલનું નામ આપ્યા પછી પારનેરના ધારાસભ્ય નિલેશ લંકે સમર્થકોના મોટા જૂથ સાથે પવારને મળવા પૂણે આવ્યા હતા. એનસીપી (એસસીપી)ના રાજ્ય પ્રમુખ જયંત પાટીલે કહ્યું, "એક બાજુ સત્તા અને પૈસા છે પરંતુ અમારી પાસે લોકોની શક્તિ છે, તેથી ઘણા નેતાઓ હવે અમારી સાથે જોડાઈ રહ્યા છે."