'ભાજપમાં જ જોડાઈ જવાય ને!', કાકા મહાવીર ફોગાટે જ વિનેશ ફોગાટ પર સાધ્યું નિશાન
Vinesh Phogat's Congress Entry: કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે શુક્રવારે 32 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. જેમાં કુસ્તીબાજ વિનેશ ફોગાટને જુલાના બેઠક પરના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વિનેશ ગઈકાલે જ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી. જોકે, વિનેશ ફોગટના કાકા અને કોચ મહાવીર ફોગટે તેનો વિરોધ કરી રહ્યા છે. મહાવીર ફોગટે સ્પષ્ટપણે કહ્યું છે કે, અમે વિનેશ ફોગટના રાજકારણમાં જોડાવાના નિર્ણયની વિરુદ્ધ છીએ."
ટ્રિબ્યુન સાથે વાત કરતા દંગલ ફેમ કુસ્તીબાજ ગીતા અને બબીતાના પિતા મહાવીર ફોગાટે કહ્યું કે, 'મેં વિનેશને કુસ્તીમાં તેની કારકિર્દી આગળ વધારવા માટે સૂચન કર્યું હતું. મેં તેને કુસ્તી ચાલુ રાખવા અને ચાર વર્ષ પછી ઓલિમ્પિક બનાવવાના ધ્યેય સાથે ફરીથી તૈયારી કરવાનું કહ્યું હતું. રાજકારણમાં જોડાવાનો નિર્ણય તેનો પોતાનો છે."
'વિનેશમાં હજુ પણ કુસ્તીની કાબેલિયત છે, તેને રમતમાં આગળ વધવું જોઈએ'
મહાવીર ફોગાટે કહ્યું કે, "વિનેશમાં હજુ પણ કુસ્તીની કાબેલિયત છે, તેથી તેને રમતમાં આગળ વધવું જોઈએ. હું નથી ઈચ્છતો કે તે તેની કારકિર્દીના આ તબક્કે રાજકારણમાં જોડાય. હકીકતમાં આ નિર્ણય લેતા પહેલા વિનેશે મારી પાસે સલાહ ન લીધી."
'રાજકારણમાં રસ હતો તો તેણે કોંગ્રેસને બદલે ભાજપમાં જોડાવું જોઈતું હતું.'
મહાવીર ફોગાટે કહ્યું કે, " હું રાજકારણમાં જોડાયેલો નથી અને વિનેશ માટે પ્રચાર પણ નહીં કરું. કારણ કે હું કોંગ્રેસ વિરુદ્ધ છે." મહાવીર ફોગાટે તો ત્યાં સુધી કહ્યું કે, જો વિનેશને રાજકારણમાં રસ હતો તો તેણે કોંગ્રેસને બદલે ભાજપમાં જોડાવું જોઈતું હતું.
તમને જણાવી દઈએ કે મહાવીર ફોગટની નાની દીકરી બબીતા ફોગટ પહેલેથી જ બીજેપીની સભ્ય છે. તે દાદરી વિધાનસભા વિસ્તારમાંથી છેલ્લી વિધાનસભા ચૂંટણી પણ લડી હતી, પરંતુ હારી ગઈ હતી.