મહાકુંભ નાસભાગમાં મોત મુદ્દે હજુ મૂંઝવણ: તંત્ર અને પોલીસ આલાપી રહ્યા છે જુદો જુદો રાગ
Mahakumbh 2025: પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાસ નિમિત્તે બુધવારે મોડી રાત્રે થયેલી નાસભાગમાં મોતનો સાચો આંકડો જાહેર કરવામાં સરકાર ખચકાઈ રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સરકારે આ નાસભાગમાં 30ના મોત થયા હોવાનું જણાવ્યું છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી છે. DIGએ પણ પાંચ મૃતકોની ઓળખ થવાની બાકી હોવાનું જણાવ્યું છે. જ્યારે પ્રયાગરાજમાં પોસ્ટમોર્ટમ હાઉસની બહાર 24 શબના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. યુપી સરકારના ડીઆઇજી વૈભવ કૃષ્ણે જણાવ્યું હતું કે, નાસભાગમાં 90 ઈજાગ્રસ્ત હૉસ્પિટલ આવ્યા હતા. જેમાં 30ના મોત થયા હતા. 30 મૃતકોમાં પાંચની ઓળખ થઈ નથી.
મૃતકોના આંકડામાં મૂંઝવણ
સત્તાવાર આંકડાઓ અનુસાર, 30 મૃતકોમાં કર્ણાટકમાંથી ચાર, આસામ અને ગુજરાતમાંથી 1-1 વ્યક્તિ સામેલ છે. જ્યારે પોસ્ટમોર્ટમ હાઉસની બહાર લગાવવામાં આવેલા 24 મૃતકોના પોસ્ટરની હજી સુધી ઓળખ થઈ નથી. આ મૃતકો સત્તાવાર જાહેર કરાયેલા 30ના આંકડામાં સામેલ છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.
ડીઆઇજી વૈભવ કૃષ્ણે પાંચ મૃતદેહોની ઓળખ થઈ ન હોવાનું નિવેદન આપ્યું હતું. બાદમાં તેમણે જણાવ્યુ કે, જે 25 મૃતદેહોની ઓળખ થઈ હતી, તેમાંથી 19 તો ખોટી ઠરી. આમ પ્રશાસન મહાકુંભમાં નાસભાગના કારણે થયેલા મોતનો સાચો આંકડો છુપાવી રહ્યું હોવાની અટકળો વહેતી થઈ છે.
બિહારમાંથી છ, બંગાળમાંથી બેના મોત
ડીઆઇજીએ 30 મૃતકોમાંથી છ યુપી બહારના હોવાનુ જણાવ્યું હતું. પરંતુ બિહારમાંથી જ આ નાસભાગમાં નવ લોકો મૃત્યુ પામ્યા હોવાના સમાચાર મળ્યા છે. પશ્ચિમ બંગાળમાંથી પણ બેના મોત થયા હોવાના અહેવાલો છે. તો વાસ્તવમાં ઉત્તર પ્રદેશ સિવાય અન્ય રાજ્યોના કેટલા લોકો નાસભાગમાં માર્યા ગયા છે તે મુદ્દે મૂંઝવણ ઊભી થઈ છે.
37 ઈજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ
નાસભાગની દુર્ઘટનામાં 41 ઈજાગ્રસ્ત લોકો રાની નેહરૂ ચિકિત્સાલયમાં સારવાર લઈ રહ્યા હતા. જેમાંથી ચાર સાજા થયા છે. અન્ય 37 હજી પણ સારવાર હેઠળ છે. શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે મહાકુંભમાં સર્જાયેલી નાસભાગમાં 100 લોકોના મોત થયા હોવાનો દાવો કર્યો છે. તેમણે 100 લોકોના મોતના ડેટા તેમની પાસે હોવાનું નિવેદન આપ્યું છે.