ભારતની ચલણી નોટ પર મહાત્મા ગાંધી પહેલા કોની તસવીર છપાતી હતી, જાણો ઈતિહાસ
Mahatma Gandhi Indian Currency History : આજે 2 ઓક્ટોબર. બાપુનો જન્મદિવસ. વૈશ્વિક સ્તરે ભારતની મજબૂત ઓળખ બની ગયેલો એ ચહેરો જે પ્રત્યેક ભારતીયની નજરે લગભગ રોજ જ ચડતો હોય છે. મહાત્મા ગાંધીની છબી દેશની ચલણી નોટનો અભિન્ન હિસ્સો બની ગયો છે. તેમની છબી વિના ભારતીય ચલણની કલ્પના કરવું પણ મુશ્કેલ છે, પણ શું તમે જાણો છો કે એક સમય એવો પણ હતો જ્યારે રાષ્ટ્રપિતાનો ચહેરો ચલણી નોટ માટે પહેલી પસંદ નહોતો. ચાલો, આજે જાણીએ કે બાપુની નહીં તો કોની છબીઓથી શોભતી હતી ભૂતકાળમાં ભારતની ચલણી નોટ.
વિશ્વભરનું ચલણઃ ચલણ પર રાષ્ટ્રીય નેતા
મોટાભાગના દેશો એમના ચલણ પણ એમના દેશનું ગૌરવ વધારે એવા નેતાઓ અથવા ઈતિહાસ અને સંસ્કૃતિના પ્રતિબિંબરૂપી છબીઓ કે પ્રતીકો છાપતાં હોય છે. અમેરિકી ડૉલરમાં જ્યોર્જ વૉશિંગ્ટન દેખાય છે, તો પાકિસ્તાની રૂપિયામાં મોહમ્મદ અલી જિન્નાહ. બિલકુલ એ જ રીતે ભારતીય ચલણમાં મહાત્મા ગાંધી અદકેરું સ્થાન ભોગવે છે. પણ, બાપુને આ સન્માન દેશને આઝાદી મળ્યા પછી તરત નહોતું મળ્યું. એ જમાનામાં ચલણ પર જુદી છબીઓ જોવા મળતી હતી.
આઝાદી અગાઉ અને પછી કેવી છબીઓ હતી ચલણ પર?
1861 ભારતમાં પહેલી કરન્સી નોટ છાપવામાં આવી હતી. આઝાદી પહેલાં દેશ અંગ્રેજોનો ગુલામ હોવાથી ચલણી નોટ અને સિક્કા પર ઈંગ્લેન્ડના રાજા અને રાણીઓની છબીઓ છપાતી. દેશ આઝાદ થયો ત્યારે મહાત્મા ગાંધી જનતાના લાડકા હતા, તેથી લોકોને હતું કે આઝાદ દેશના નવા ચલણમાં રાષ્ટ્રપિતાને સ્થાન મળશે જ, પણ એમ નહોતું થયું.
પહેલી નોટ પર આ છબી હતી
સ્વતંત્રતા પછી ભારતની નવી કરન્સી કેવી દેખાશે એ ભારતીય રિઝર્વ બેંક(RBI)એ નક્કી કરવાનું હતું. 1949 માં આઝાદ ભારતની પહેલી ચલણી નોટ બહાર પાડવામાં આવી જેના ઉપર મહાત્મા ગાંધીને બદલે ભારતના રાષ્ટ્રીય પ્રતીક સારનાથ-સ્થિત અશોકના ‘સિંહ સ્તંભ’ની છાપ હતી. જનતાએ એને વધાવી લીધી હતી.
આવા પ્રતીકોએ પણ સ્થાન મેળવ્યું
એ પછી તો ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પ્રતીકો અને આર્થિક પ્રગતિ દર્શાવતી છબીઓ ચલણી નોટ પર છપાતી રહી. જેમ કે, હીરાકુડ ડેમ, આર્યભટ્ટ ઉપગ્રહ અને બૃહદીશ્વર મંદિર. અમુક ચલણ પર ભારતના ભવ્ય જૈવિક વારસાના પ્રતીકો પણ જોવા મળ્યા. જેમ કે, વાઘ અને હરણની છબી. 1950 અને 1960ના દાયકામાં આ પ્રકારની નોટ છપાતી રહી.
છેક વીસ વર્ષે બાપુનો વારો આવ્યો
મહાત્મા ગાંધીની છબી સૌપ્રથમ 1969માં ચલણી નોટ પર દેખાઈ, કેમ કે એ વર્ષ બાપુના જન્મનું 100મું વર્ષ હતું. એ છબીમાં મહાત્મા ગાંધી અને એમનો સેવાગ્રામ આશ્રમ દેખાયો હતો. જોકે, એ પછી પણ દેશની કરન્સી પર અન્ય પ્રતીકો દેખાતા રહ્યા હતા.
આ રીતે બાપુની છબી કાયમી બની
વર્ષ 1987 માં રાજીવ ગાંધી સરકારે 500 રૂપિયાની ઉચ્ચ-મૂલ્યની નવી નોટ રજૂ કરી, જેમાં બાપુનો ચહેરો દેખાયો હતો. એ પછી ભારતીય નોટો પર મહાત્મા ગાંધીની છબી નિયમિતરૂપે છપાવા લાગી હતી. આધુનિક ટેક્નોલોજી સાથે દેશની ચલણી નોટમાં વોટરમાર્ક અને સુરક્ષા થ્રેડ જેવી સુરક્ષા સુવિધાઓ ઉમેરાતી ગઈ અને નોટના દેખાવ બદલાતા ગયા, પણ એક વસ્તુ કાયમી હિસ્સો બની ગઈ હતી અને એ હતી ગાંધીજીની છબી.
આ નેતાઓની છબી અને આવા પ્રતીકો માટે પણ થયા હતા સૂચનો
છેલ્લા થોડા વર્ષોમાં ચલણી નોટો પર મહાત્મા ગાંધીની છબીને બદલે અન્ય નેતાઓની છબી મૂકવાની માંગ ઊઠી છે. આ બાબતે જવાહરલાલ નેહરુ, સુભાષ ચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2022માં આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રમાં સમૃદ્ધિ લાવવા માટે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની છબીઓ નોટો પર ઉમેરવાનું સૂચન કર્યું હતું. આમ કરવામાં કોઈ એક ધર્મને વિશેષ મહત્ત્વ મળશે, એવું લાગતાં વિવિધ પક્ષના રાજકીય નેતાઓ દ્વારા આ વિચારની ટીકા કરવામાં આવી હતી.
બાપુ સિવાય આ નેતાને મળ્યું સન્માન
બીજા કોઈ તો નહીં, પણ ડૉ. બી.આર. આંબેડકરને ભારતના ચલણ પર સ્થાન આપવામાં આવ્યું છે. 2015માં ડૉ. આંબેડકરની 125મી જન્મજયંતિ પર સરકારે તેમના સન્માનમાં રૂપિયા 125 અને રૂપિયા 10 મૂલ્યના ખાસ સિક્કા બહાર પાડ્યા હતા. જોકે, તેમની છબી સાથે કોઈ ચલણી નોટ બહાર પાડવામાં આવી ન હતી.
બાપુ વિનાની કરન્સી બાબતે વિવાદ
વર્ષ 2022માં ભારતનું પ્રથમ ડિજિટલ ચલણ બહાર પાડવામાં આવ્યું હતું. એની ડિઝાઇનમાં બાપુ ગેરહાજરી હતી. એ જોઈને મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ નિરાશા વ્યક્ત કરી હતી અને સરકાર અને આરબીઆઈની ટીકા કરી હતી.