'8 કિલો સોનું, 14 કરોડ કેશ, 170 કરોડની બેહિસાબી સંપત્તિ...' પાડોશી રાજ્યમાં ITની મોટી કાર્યવાહી
Maharastra Nanded IT Raid | મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અહીં આવકવેરા વિભાગ (Income tax department) ની ટીમે ભંડારી ફાયનાન્સ અને આદિનાથ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કરોડોની બેહિસાબી સંપત્તિ મળી આવી હતી જે આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે. દરોડા દરમિયાન મોટી માત્રામાં રોકડ પણ મળી આવી હતી, જેની ગણતરીમાં 14 કલાકનો સમય લાગ્યો હતો.
72 કલાક સુધી કાર્યવાહી ચલાવાઈ
આવકવેરા વિભાગની આ કાર્યવાહી 72 કલાક સુધી ચાલુ રહી. દરોડામાં વિભાગને ભંડારી પરિવાર પાસેથી 170 કરોડ રૂપિયાની બેહિસાબી સંપત્તિ મળી આવી છે. આ સિવાય 8 કિલો સોનું મળી આવ્યું છે. બેહિસાબી સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. દરોડા દરમિયાન મળી આવેલી 14 કરોડની રોકડની ગણતરી કરવામાં અધિકારીઓને લગભગ 14 કલાક લાગ્યા હતા. આ કાર્યવાહીથી ફાયનાન્સ વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આઈટી વિભાગને કરચોરીની ફરિયાદ કરાઈ હતી
ભંડારી પરિવારના વિનય ભંડારી, સંજય ભંડારી, આશિષ ભંડારી, સંતોષ ભંડારી, મહાવીર ભંડારી અને પદમ ભંડારી નાંદેડમાં ખાનગી ફાઇનાન્સનો મોટો બિઝનેસ ધરાવે છે. અહીં આવકવેરા વિભાગને કરચોરીની ફરિયાદ મળી હતી. જેના કારણે છ જિલ્લા પુણે, નાશિક, નાગપુર, પરભણી, છત્રપતિ સંભાજીનગર અને નાંદેડના આવકવેરા વિભાગના સેંકડો અધિકારીઓએ સંયુક્તરૂપે દરોડા પાડ્યા હતા. શુક્રવારે, 10 મેના રોજ, ટીમે નાંદેડમાં ભંડારી ફાઇનાન્સ અને આદિનાથ કોઓપરેટિવ બેંક પર દરોડા પાડ્યા હતા.