ભત્રીજા અજિત પવારની વાતો સાંભળીને શરદ પવાર ભડક્યા, કહ્યું- 'સત્તાના લોભમાં પરિવાર તોડ્યો'
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના ઘોંઘાટ વચ્ચે તમામ પક્ષો એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના વડા અજિત પવારે (Ajit Pawar) ગઈકાલે એક રેલી દરમિયાન NCPSPના વડા શરદ પવાર (Sharad Pawar) અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. હવે આ મુદ્દે શરદ પવારે અજિતને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે અજિત પર સત્તાના લોભમાં પરિવાર તોડવાનો આક્ષેપ કર્યો છે.
મારા માતા-પિતાએ મને પરિવાર તોડવાનું શીખવાડ્યું નથી : શરદ પવાર
બારામતી વિધાનસભા બેઠક પર અજિત પવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે અને તેમની વિરુદ્ધ શરદ પવારે પૌત્ર યુગેન્દ્ર પવારને ટિકિટ આપી છે. શરદ પવારે મંગળવારે પૌત્રનો ચૂંટણી પ્રચાર કર્યો હતો, જેમાં તેમણે અજિત પવારની કોપી પણ કરી હતી. તેમણે કહ્યું કે, ‘મારા માતા-પિતા અને ભાઈઓએ મને ક્યારેય પરિવાર તોડવા જેવું પાપ કરતા શીખવાડ્યું નથી. લોકોએ વર્ષો પહેલાં મને મહારાષ્ટ્રનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી હતી. હવે હું એક સંરક્ષક છું અને મેં મારી પાર્ટી નવી પેઢીને સોંપી દીધી છે.
‘મેં ક્યારેય સુપ્રિયાને પદ આપ્યું નથી’
શરદ પવારે જૂના દિવસોને યાદ કરતા કહ્યું કે, ‘મારી સાથે અનંતરાવ પવાર (અજિત પવારના પિતા) સહિત મારા તમામ ભાઈઓ રહે છે. હું મારા ભાઈઓના આશિર્વાદના કારણે રાજકારણમાં ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છું. હું તેમના બાળકો સાથે ક્યારેય ભેદભાવ કરીશ નહીં.’ આ દરમિયાન પવારે દાવો કર્યો કે, ‘મેં ઘણા નેતાઓને મંત્રી પદની ઓફર કરી, જો કે સુપ્રિયા સુલેને એકપણ પદ આપ્યું ન હતું.’
‘સત્તાની લાલસા માટે સાથીઓને ન છોડવા જોઈએ’
તેમણે વધુમાં કહ્યું કે, ‘રાજકારણમાં કંઈપણ નિશ્ચિત નથી, જો કે કોઈ વ્યક્તિએ સત્તાની લાલસામાં પોતાના સાથીઓનો સાથ ન છોડવો જોઈએ. જ્યારે અમે (NCP) સત્તામાં હતા, ત્યારે અમારા કેટલાક સાથીઓ સવારે ઉઠ્યા અને શપથ લીધી. જો કે તે વખતે સરકાર ચાર દિવસ પણ ટકી ન હતી.’
અજિત પવાર શું બોલ્યા હતા ?
આ પહેલા અજિત પવારે બારામતી બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે શરદ પવારનું નામ લીધા વગર ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘સાહેબે પરિવારના ભાગલા પાડ્યા અને મારા વિરુદ્ધ ઉમેદવાર ઊભો રાખ્યો. અગાઉ મેં મારી ભૂલો સ્વીકારી હતી, જો કે હવે લાગે છે કે, બીજા પણ ભૂલો કરી રહ્યા છે. મારા પરિવાર અને મેં નિર્ણય કર્યો હતો કે, અમે પહેલા બારામતીથી ઉમેદવારી ફોર્મ ભરીશું, જો કે એવું ન થયું. મારી માતાએ મને ખૂબ સમર્થન આપ્યું હતું અને તેમણે (શરદ પવારે) સલાહ આપી હતી કે, અજિત વિરુદ્ધ કોઈપણ ઉમેદવાર ન હોવો જોઈએ. જો કે મને માહિતી મળી છે કે, સાહેબે (શરદ પવાર) મારા વિરુદ્ધ કોઈને ઉમેદવારી ફોર્મ ભરવા નિર્દેશ આપ્યો છે. સાહેબે પરિવારમાં વિભાજન ઊભું કર્યું છે. હું માત્ર એટલું કહું છું કે, આટલી હદે રાજકારણ ન રમવું જોઈએ, કારણ કે પરિવારને એક થવામાં પેઢીઓ વીતી જાય છે, જ્યારે તૂટવામાં એક ક્ષણ પણ લાગતી નથી.’