4 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારના સંકેત? નેતાઓના આંતરિક રિપોર્ટથી ટેન્શન વધ્યું

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
4 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારના સંકેત? નેતાઓના આંતરિક રિપોર્ટથી ટેન્શન વધ્યું 1 - image


BJP And RSS News | લોકસભા ચૂંટણી 2024માં લક્ષ્યથી ચૂકી ગયા બાદથી ભાજપની મુશ્કેલી વધી ગઈ છે. તેની પાસે હવે બહુમત નથી. ત્યારે આગામી 4 રાજ્યોમાં હવે વિધાનસભા ચૂંટણી નજીક છે. આ દરમિયાન કઈ રણનીતિ અપનાવવી એ ભાજપ માટે પડકાર બની ગયો છે. ભાજપ તેના આક્રમક અને સંતુલિત ચૂંટણી અભિયાનને લઈને મુંઝવણમાં છે. 

ભાજપ મુંઝવણમાં! 

એક વર્ગનું માનવું છે કે હાલના સમયે વિપક્ષના દબાણ હેઠળ આવવાની જગ્યાએ પાર્ટીએ અગાઉની જેમ જ તેનું આક્રમક અભિયાન ચાલુ રાખવું જોઇએ. જોકે આ વ્યૂહનીતિથી નુકસાન થવાની પણ આશંકા છે કેમ કે વિપક્ષનું ગઠબંધન I.N.D.I.A. માં સામેલ પક્ષોમાં વિરોધાભાસ છતાં ભાજપવિરોધી સૂર તો એક જેવા જ છે. 

આ પણ વાંચો : ભાજપના પ્રભાવશાળી નેતા પાસેથી બંને પદ છીનવાયા

ઈન્ચાર્જના રિપોર્ટથી ચિંતા વધી 

ભાજપે આગામી 4 રાજ્યો હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણી માટે તેના ઈન્ચાર્જ ઘણાં સમય પહેલા જ તહેનાત કરી દીધા હતા. આ નેતાઓએ રાજ્યોમાં જઈને શરૂઆતના તબક્કાની બેઠક કરી. સૂત્રો કહે છે કે આ ઈન્ચાર્જના રિપોર્ટમાં સારા સંકેત મળ્યા નથી. તમામ રાજ્યોમાં સંગઠનમાં મતભેદની સ્થિતિ દેખાઈ રહી છે. એવામાં વિપક્ષો પડકાર ઝીલવો મુશ્કેલ હશે. આ જ કારણ છે કે પાર્ટીનું નેતૃત્વ હાલના સમયે સંગઠનની સમસ્યાઓને ઉકેલવામાં વ્યસ્ત છે. જેથી ચૂંટણી અભિયાનને તેજ કરી શકાય. 

આ પણ વાંચો : ભાજપમાં સમાધાન કરાવવા હવે RSSએ મોરચો સંભાળ્યો

ભાજપ આ કારણે ચિંતિત 

ભાજપ માટે હાલ એક સૌથી મોટો ચિંતાનો વિષય ચૂંટણી અભિયાન છે. લોકસભા ચૂંટણીમાં અને તેના પહેલા યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપે વિપક્ષની સામે અત્યંત આક્રમક રીતે અભિયાન ચલાવ્યું હતું. તેનો ફાયદો પણ થયો પરંતુ લોકસભા ચૂંટણીમાં એવા અનેક રાજ્યો હતા જ્યાં તેણે નુકસાન વેઠવું પડ્યું. ખાસકર સંગઠનની નારાજગી ભારે પડી. ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પણ સંગઠનમાં ઘણી સમસ્યા સામે આવી છે. 

હરિયાણાઃ મુખ્યમંત્રી બદલાયા બાદ પણ સ્થિતિ સારી નથી

હરિયાણામાં પણ મુખ્યમંત્રી બદલાવા છતાં સામાજિક સમીકરણો સુધરતા નથી અને ઉલટું બગડવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની તાકાત ભાજપના સામાજિક સમીકરણ પર પણ અસર કરે તેવી શક્યતા છે. ખાસ કરીને બ્રાહ્મણ અને દલિત સમુદાયને લઈને પાર્ટી શંકામાં છે. તેઓ કોંગ્રેસને સમર્થન આપી શકે છે.

મહારાષ્ટ્ર: ગઠબંધન સાથે ચાલવું પડકારજનક

મહારાષ્ટ્રમાં ભાજપનું પોતાનું ગઠબંધન લોકસભા ચૂંટણીમાં પણ વિપક્ષી ગઠબંધન સામે ઘણી બેઠકો હારી ગયું હતું. હવે આ જ સમસ્યા વિધાનસભાની ચૂંટણીમાં પણ સામે આવી રહી છે. આવી સ્થિતિમાં, પાર્ટીને તેના ગઠબંધનના મુખ્યમંત્રીનો ચહેરો લોકો સમક્ષ રજૂ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે એકનાથ શિંદેના નેતૃત્વમાં એનડીએને વધુ સફળતા મળવાની સંભાવના નથી. ભાજપની અંદર પણ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને આગળ રાખવાની માંગ વધી રહી છે. અજિત પવાર પર બિલકુલ વિશ્વાસ કરી શકાય તેમ નથી.

જમ્મુ અને કાશ્મીર: જમ્મુથી આશા, ખીણમાં ભાજપની મુશ્કેલીઓ યથાવત

જમ્મુ-કાશ્મીરની ઘાટીમાં ભાજપની મુશ્કેલીઓ યથાવત છે. પાર્ટી ખીણની બેઠકો પર કેવી રીતે ચૂંટણી લડશે તે હજુ નક્કી નથી. શું તે તેના ઉમેદવારો ઉભા કરશે કે કેટલાક અપક્ષોને સમર્થન આપશે? જમ્મુ પ્રદેશ માટે પાર્ટીની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે અને ત્યાં પણ પાર્ટીને મોટી સફળતા મળવાની આશા છે.

ઝારખંડ: વિવાદ ઉકેલીને વધુ સારા પ્રદર્શનની આશા

ઝારખંડમાં ભાજપના મોટા નેતાઓ વચ્ચેનો ઝઘડો હજુ પણ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી અને અર્જુન મુંડા વચ્ચે તણાવના અહેવાલો કેન્દ્રીય નેતૃત્વને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. જો કે, પાર્ટીના બે મોટા નેતાઓ આ રાજ્યમાં ચૂંટણી પ્રભારી તરીકે તૈનાત છે. તેમાં શિવરાજ સિંહ ચૌહાણ સામેલ છે જેઓ સંગઠન, સરકાર અને ચૂંટણી ત્રણેય ક્ષેત્રમાં નિપુણતા ધરાવે છે. પાર્ટીને આશા છે કે તે ટૂંક સમયમાં ઝારખંડમાં વધુ સારી સ્થિતિમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરશે.

આ પણ વાંચો : યોગી સરકારના નિર્ણય પર ભડક્યા NDAના સાથી પક્ષો

આરએસએસની મદદની જરૂર 

આ બધાની સાથે ભાજપને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની પણ મદદની જરૂર છે, કારણ કે તાજેતરના સમયમાં આરએસએસના નેતાઓએ આડકતરી રીતે ભાજપના નેતૃત્વ પર નિશાન સાધ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં ભાજપ અને સંઘ નેતૃત્વ વચ્ચે સંકલન બેઠક પણ બોલાવવામાં આવી શકે છે, જેથી જે મુદ્દાઓ પર આંતરિક મતભેદો છે તેનો ઉકેલ લાવી શકાય અને સંઘનો સંપૂર્ણ સહયોગ મળી શકે. સંઘના સહકારથી તેનું સંગઠન પણ મજબૂત બનશે અને કાર્યકરોને પણ ઉર્જા મળશે.

4 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારના સંકેત? નેતાઓના આંતરિક રિપોર્ટથી ટેન્શન વધ્યું 2 - image


Google NewsGoogle News