‘અમારી પાર્ટી સત્તામાં આવશે તો...’ જબરદસ્તી વસૂલી મુદ્દે રાઉતે ફડણવીસ - સીતારમણ પર સાધ્યું નિશાન
Maharashtra News : શિવસેના યુબીટી (Shivsena UBT)ના નેતા સંજય રાઉતે (Sanjay Raut) જબદસ્તી વસૂલી મુદ્દે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પર ગંભીર આક્ષેપ કર્યો છે. ઈડીના કેટલાક અધિકારીઓ ભાજપ નેતાઓ સાથે મળીને મોટી રકમની ગેરવસૂલી કરવાનો રાઉતે આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, અમારી પાર્ટી સત્તામાં આવશે તો અમે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ખુલાસો કરીશું.
રાઉતે ફડણવીસ પર ઈડીના એજન્ટ હોવાનો આક્ષેપ કર્યો
સંજય રાઉતે આક્ષેપ કર્યો છે કે, ફડણવીસ આ પ્રવૃત્તિઓથી માહિતગાર હતા. તેમણે જીતુ નવલાનીનું નામ લઈને ફડણવીસ પર ખંડણીમાં સામેલ ઈડી એજન્ટ તરીકે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, મહા વિકાસ અઘાડી (MVA) સરકારે નવલાની વિરુદ્ધ કાયદાકીય પગલાં લીધાં છે. નવલાનીને ઈડી અને ભાજપ નેતા ફડણવીસ બંનેનું સમર્થન મળેલું છે.
ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય પણ વસૂલીમાં સામેલ : રાઉત
તેમણે વધુમાં કહ્યું કે, ‘એમવીએ સરકારે આક્ષેપોની તપાસ કરવા માટે વિશેષ તપાસ ટીમ બનાવાઈ હતી, જોકે ફડણવીસે એકનાથ શિંદે સરકારમાં ગૃહમંત્રી બન્યા બાદ જૂન-2022માં આ ટીમને ભંગ કરી દીધી છે. તેમણે પૂર્વ ઈડી અધિકારી રાજેશ્વર સિંહ અને હાલ ઉત્તર પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય રાજેશ્વર સિંહ તેમજ કથિત જબરદસ્તી વસૂલીમાં સામેલ રોમી ભગત, જે આર્થલ જેલમાં કેદ છે, તેના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.’
તેમણે કહ્યું કે, એમવીએની સરકાર બન્યા બાદ આ મુદ્દાઓને ધ્યાનમાં લેશે અને આમાં કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે, તે સુનિશ્ચિ કરશે. તેમણે ઈડીને ભાજપનો વસૂલી એજન્ટ કહ્યો છે.
રાઉતે સીતારમણ પર પણ સાધ્યું નિશાન
ઈડી પર નિશાન સાધતા રાઉતે કહ્યું કે, ‘ઈડી ભાજપની ચૂંટણી એજન્ટ છે, જે પૈસા ભાજપના ખાતામાં જાય છે, તે ઈડી દ્વારા જાય છે. ઈડી એક ભ્રષ્ટ સંસ્થાન છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ જે કેસ નોંધવામાં આવ્યો છે, તે શું છે? ગેરકાયદેસર રીતે પૈસા જમા કરવામાં આવ્યા છે, જેને આપણે ખંડણી કહીએ છીએ.’