મહારાષ્ટ્રમાં બે ભાઈ સામસામે: ઉદ્ધવ ઠાકરેના કાફલા પર ગોબર ફેંકાયું, MNSએ કહ્યું- ઘરમાં ઘૂસીને મારીશું
Uddhav Thackeray Convoy attacked: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ના કાફલા પર રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ ગોબર ફેંકી હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. શિવસેના (યુબીટી)ના પ્રવક્તા આનંદ દુબેએ રાજ ઠાકરે પર અને તેમના પક્ષ પર પ્રહાર કરતા તેમને સોપારીબાજ અને બદમાશ ગણાવ્યા છે. ઉપરાંત ઉદ્ધવ ઠાકરે જૂથે આ ઘટના અંગે મહારાષ્ટ્ર સરકાર પર પણ આકરા પ્રહાર કર્યા હતા.
ગૃહ મંત્રી રાજીનામું આપેઃ ઉદ્ધવ જૂથ
ઉદ્ધવ ઠાકરે પર હુમલો થયા બાદ શિવસેના (યુબીટી)એ મહારાષ્ટ્રના ગૃહમંત્રીના રાજીનામાંની માગ કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ધ્વસ્ત થઇ ગઇ છે. સીએમ એકનાથ શિંદેના ગૃહ શહેરમાં આવા હુમલાઓ થાય તો તેનાથી સાફ થાય છે કે, ઉદ્ધવ ઠાકરે પર હુમલો કરવાની સોપારી લેવામાં આવી હતી. આ ખૂબ જ શરમજનક છે, એકનાથ શિંદેની સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ છે. ગૃહ મંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમના પદ પરથી રાજીનામું આપવું જોઇએ. વધુમાં તેમણે રાજ ઠાકરે પર નિશાન સાધતાં કહ્યું કે, પહેલા લોકો કહેતા હતા કે રાજ ઠાકરે અને તેમનો પક્ષ સોપારીબાજ અને બદમાશ છે પરંતુ હવે અમારા નેતા ઉદ્ધવ ઠાકરેના કાફલા પર હુમલો થતાં વિશ્વાસ પણ થઇ ગયો છે.
ઘરમાં ઘૂસીને મારીશુંઃ MNS
રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ઉદ્ધવ ઠાકરે પર કરવામાં આવેલા હુમલાની જવાબદારી સ્વિકારી છે. મનસેના થાણે-પાલઘરના શહેર પ્રમુખ અવિનાશ જાધવે કહ્યું કે, કેટલાક શિવસૈનિકોએ રાજ ઠાકરેની ગાડી સામે આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો. મનસેએ માત્ર તેનો જવાબ આપ્યો છે. અમારા કાર્યકરોએ 15થી વધુ ગાડીઓ પર ગોબર ફેંક્યું છે. જો કોઇ શિવસૈનિક રાજ ઠાકરે વિરૂદ્ધ જશે તો તેને આવો જ મજબૂત જવાબ આપવામાં આવશે અને તેને ઘરમાં ઘૂસીને મારવામાં આવશે.