સરકાર બને તે પહેલા જોડ-તોડ! ઉદ્ધવ જૂથના બે સાંસદો NDAમાં જોડાવા શિંદેને મળ્યાનો દાવો
Lok Sabha Elections Result 2024 | લોકસભા ચૂંટણી 2024ના પરિણામોની જાહેરાત બાદ શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુસીબતો વધતી દેખાઈ રહી છે. પહેલા તો 2019 ની સરખામણીમાં તેમની બેઠકો ઘટી ગઇ છે જ્યારે હવે તેમના બે નવા ચૂંટાયેલા સાંસદોએ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેનો સંપર્ક કર્યો હોવાનો દાવો કરાયો છે. આ બંને સાંસદોએ તેમણે NDAમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. શિવસેના શિંદે જૂથે આ દાવો કર્યો છે.
કોણે કર્યો આ દાવો
શિવસેના શિંદે જૂથના નેતા અને નવા ચૂંટાયેલા સાંસદ નરેશ મહાસ્કેએ કહ્યું છે કે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના બે નવા ચૂંટાયેલા સાંસદોએ એકનાથ શિંદેનો સંપર્ક કર્યો છે. તે એનડીએ અને શિવસેના શિંદે સાથે જોડાવા માંગે છે. શિંદે જૂથનો દાવો છે કે ઉદ્ધવ જૂથના 2 સાંસદો તેમના સંપર્કમાં છે અને વધુ 4 સાંસદો કતારમાં છે, જેઓ ટૂંક સમયમાં શિંદે જૂથનો સંપર્ક કરવા જઈ રહ્યા છે.
નરેશ મ્હસ્કેના નિવેદનથી UBT જૂથમાં હડકંપ
નરેશ મ્હસ્કેના આ નિવેદનથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં હડકંપ મચી ગયો છે. હાલમાં ઉદ્ધવ જૂથના કોઈ નેતા આ અંગે વાત કરવા તૈયાર નથી. મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાએ પાર્ટીમાં બળવો થયા બાદ પહેલીવાર મહાયુતિ સાથે ગઠબંધન કરીને લોકસભાની ચૂંટણી લડી હતી. સીએમ શિંદેની શિવસેના, જે 15 બેઠકો પર લડી હતી, તેને કુલ 7 બેઠકો મળી હતી જ્યારે ઉદ્ધવ જૂથની શિવસેનાને 9 બેઠકો મળી હતી. આ ઉપરાંત કોંગ્રેસને 13 અને ભાજપને 9 બેઠકો મળી છે.