મહારાષ્ટ્રમાં કોંગ્રેસ નેતાઓ તો સૂટ પહેરીને તૈયાર હતા, વધુ પડતાં આત્મવિશ્વાસના કારણે હાર્યા: MVAમાં જ તિરાડ!
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી રાજ્યની નવી સરકાર શંકાના દાયરામાં છે. ચૂંટણીમાં જીત મેળવનાર મહાયુતિ ગઠબંધન હજુ પણ મુખ્યમંત્રી પદ પર વિચારણાં કરી રહી છે, જ્યારે હારનો સામનો કરી રહેલી મહા વિકાસ અઘાડી હારમાંથી બહાર નીકળી શકી નથી. હવે મહા વિકાસ અઘાડીમાં પણ આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ મોટો દાવો કરતા કહ્યું છે કે, 'રાજ્યમાં હાર માટે કોંગ્રેસનો વધુ પડતો આત્મવિશ્વાસ જવાબદાર છે.'
શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા અંબાદાસ દાનવેએ પરિણામો આવ્યાના પાંચ દિવસ પછી કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું કે, 'મહા વિકાસ અઘાડીના હારનું મુખ્ય કારણ કોંગ્રેસનો વધુ પડતો આત્મવિશ્વાસ છે, જેના કારણે અમે હાર્યા. ભવિષ્યને ધ્યાનમાં રાખીને અમે રાજ્યની તમામ 288 બેઠકો પર શિવસેના(ઉદ્ધવ જૂથ)ને મજબૂત કરીશું.'
પહેલીવાર કોંગ્રેસ પર મોટા પ્રહાર
અંબાદાસ દાનવે શિવસેના (ઉદ્ધવ જૂથ)ના વરિષ્ઠ નેતા છે અને વિધાનસભાના વિપક્ષી નેતા પણ છે. ચૂંટણીના પરિણામો બાદ ગુરુવારે પહેલીવાર મહાગઠબંધનના કોઈ મોટા નેતાએ ખુલ્લેઆમ વાત કરી અને સીધી રીતે કોંગ્રેસને આ હાર માટે જવાબદાર ગણાવી.
કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું કે, 'કોંગ્રેસના દરેક નેતા સૂટ પહેરીને તૈયાર હતા, તેઓ વધારે પડતાં આત્મવિશ્વાસથી ભરેલા હતા અને આ જ વધુ પડતાં આત્મવિશ્વાસના કારણે હાર થઈ. છેલ્લી ઘડી સુધી બેઠકની વહેંચણી ચાલુ રહી અને સર્વેના નામે લોકસભા ચૂંટણીના પરિણામો બતાવીને બેઠક કબજે કરી અને હારી ગયા.'
આ પણ વાંચો: અમદાવાદમાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું કારખાનું ઝડપાયું, ચાર આરોપીની ધરપકડ
'ભાજપ શિંદેને સીએમ બનાવ્યા હોત તો ખોટું થાત'
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદારોમાંના એક એકનાથ શિંદેએ બુધવારે (27મી નવેમ્બર) પીસી કરીને પોતાને મુખ્યમંત્રી પદથી દૂર કરી દીધા હતા. જેને લઈને અંબાદાસ દાનવે જણાવ્યું હતું કે, 'ભાજપ પોતે બહુમતીમાં છે. આવી સ્થિતિમાં આવી અપેક્ષા ન રાખવી જોઈએ. જો ભાજપે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા હોત તો તે પણ ખોટું થાત. પરંતુ જો શિંદે ચહેરો છે તો શું ભાજપમાં કોઈ ચહેરા નથી? શું આ બેઠક ચહેરા વગર આવી છે?'