શરદ પવારને લઈ અજિત પવારની જીભ લપસી, કહ્યું ‘આટલું બધુ નાટક શું કામ કર્યું...’ સુપ્રિયા સુલે અંગે પણ કર્યો મોટો દાવો
‘સુપ્રિયા સુલેએ પણ સરકારમાં સામેલ થવા સમર્થન આપ્યું’ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનો દાવો
શરદ પવારે રાજીનામું આપ્યા બાદ પોતાના સમર્થનમાં પ્રદર્શન કરવા અને રાજીનામું પરત લેવા લોકોને કહ્યું : શરદ પવાર
મુંબઈ, તા.1 ડિસેમ્બર-2023, શુક્રવાર
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે (Ajit Pawar) પોતાના જ કાકા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar) અને સુપ્રીયા સુલે અંગે આજે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, શરદ પવારે અધ્યક્ષ પદેથી આપેલું રાજીનામું નાટક હતું. તેમણે કહ્યું કે, અમે બધા શરદ પવારને સતત એવું કહી રહ્યા હતા કે, આપણે લોકોએ કામ કરવા સરકારમાં જવું જોઈએ.
‘સુપ્રિયા સુલેએ પણ સરકારમાં સામેલ થવા સમર્થન આપ્યું’
રાજગઢ જિલ્લામાં પક્ષની બેઠક યોજાઈ હતી, જેમાં શરદ પવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘અમે લોકોએ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી અને સરકારમાં જવા અંગેની બાબત પણ જણાવી. ત્યારબાદ શરદ પવારે કહ્યું કે, હું રાજીનામું આપીશ. જોકે મારા સહિત 4 લોકોને તેમના રાજીનામા અંગે અગાઉથી જાણ હતી. શરદ પવારે કહ્યું કે, તમે સરકારમાં સામેલ થઈ જાવ અને હું રાજીનામું આપી રહ્યો છું... આ સમયે સુપ્રિયા સુલે (Supriya Sule)એ પણ સરકારમાં સામેલ થવા સમર્થન આપ્યું હતું.’
શરદ પવારનું રાજીનામું સ્ક્રિપ્ટેડ હોવાનો અજિતનો દાવો
શરદ પવારનું રાજીનામું સ્ક્રિપ્ટેડે હોવાનો અજિત પવારે દાવો કર્યો છે. અજિતના દાવા મુજબ શરદ પવારે રાજીનામું આપ્યા બાદ પોતાના સમર્થનમાં પ્રદર્શન કરવા અને રાજીનામું પરત લેવા લોકોને કહ્યું હતું. ત્યારબાદ તેમણે રાજીનામું પરત લઈ લીધું. અજિતે કહ્યું કે, રાજીનામું નહોતું આપવું તો આટલું બધું નાટક કેમ કર્યું ?’ અજિત પવારે દાવો કર્યો કે, સરકારમાં સામેલ થયા બાદ શરદ પવારે તમામ મંત્રીઓને અને ધારાસભ્યોને મળવા બોલાવ્યા. બેઠકમાં તેમણે તમામની વાતો સાંભળી અને કહ્યું કે, ઠીક છે, હું જણાવું છું... પછી નિવેદન આવવાના શરૂ થયા કે, ગાડી ટ્રેક પર છે. ત્યારબાદ 12 ઓગસ્ટે એક ઉદ્યોગપતિના ઘરે પુણે બોલાવાયા. અહીં મારા ઉપરાંત શરદ પવાર, જયંત પાટિલ અને ઉદ્યોગપતિ હતા. આ દરમિયાન એવું પણ કહ્યું કે, બધુ ઠીક થશે.
‘હું જે બોલું છું, તે સત્ય બોલું છું’
અજિત પવારે કહ્યું કે, હું કેસના કારણે ભાજપના ગયો હોવાનો કેટલાક લોકો આરોપ લગાવી રહ્યા છે. હું 32 વર્ષથી કામ કરી રહ્યો છું અને હું જેવું બોલું છું, તેવું જ કરું છું. હું ભલે સંગઠનનો પ્રદેશ અધ્યક્ષ ન બન્યો, જોકે તમામને ખબર છે કે, સંગઠનનું કામ કોણ કરે છે અને કોણે કર્યું છે. હું જે બોલી રહ્યો છું, તે ખોટું બોલી રહ્યો નથી.