મહારાષ્ટ્રમાં 'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિ, ભાજપના આ પગલાંથી શિંદે થયા ભારે 'નારાજ'
Eknath Shinde And BJP News | બુધવારે જ્યારે ભાજપ(BJP) ના MLC રામ શિંદેએ વિધાન પરિષદના અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી ત્યારે તેમની સાથે માત્ર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર જ દેખાયા હતા પરંતુ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમની સાથે જોવા મળ્યા ન હતા.
એકનાથ શિંદે કેમ નારાજ થયા?
ત્યારબાદથી મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે એકનાથ શિંદે ફરી નારાજ થઇ ગયા છે. રામ શિંદેની ઉમેદવારી શિવસેના માટે મોટો ઝટકો મનાય છે. કારણ કે શિવસેના પણ વિધાન પરિષદના અધ્યક્ષ પદ માટે પોતાનો દાવો ઠોકી રહી હતી. શિવસેનાના ઉપાધ્યક્ષ નીલમ ગોરને પણ આ ચૂંટણીમાં સંભવિત ઉમેદવાર માનવામાં આવી રહ્યા હતા.
રામ શિંદે બિનહરિફ જીત તરફ...
રામ શિંદેએ કહ્યું, કોંગ્રેસે પણ કહ્યું છે કે તેમની તરફથી કોઈ ઉમેદવારી નહીં થાય. આવી સ્થિતિમાં આ ચૂંટણી બિનહરીફ થશે. આ એક સારો સંદેશ છે. હું મુખ્યમંત્રી ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રીઓનો આભાર માનું છું. ભાજપના વરિષ્ઠ નેતાઓ અને શિવસેના વચ્ચે આ મામલે ચર્ચા થઈ શકે છે.
હવે બંને મોટા પક્ષ ભાજપ પાસે...
ઉલ્લેખનીય છે કે શિવસેના અને એનસીપીના વિભાજનને કારણે 2022 અને 2023માં વિધાન પરિષદના અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઈ શકી ન હતી. ભાજપની કાઉન્સિલમાં બહુમતી છે, પરંતુ શિવસેના આ પદ મેળવવા ઉત્સુક હતી. વિધાનસભામાં અધ્યક્ષનું પદ પણ ભાજપ પાસે છે. હવે બંને ગૃહોમાં સ્પીકરની ખુરશી ભાજપ પાસે હશે.