પૂણે-નાસિક હાઈ વે પર ભીષણ અકસ્માત, રસ્તામાં ઊભેલી કારને ટેમ્પોએ ટક્કર મારતાં નવના મોત
Pune Road Accident: મહારાષ્ટ્રના પૂણેના નારાયણગાંવ વિસ્તારમાં શુક્રવારે (17 જાન્યુઆરી, 2025) લગભગ સવારે 10 વાગ્યે પુણે-નાસિક હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 9 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર, અહીં એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પોએ મિની વાન(કાર)ને પાછળથી ટક્કર મારી હતી. ત્યારબાદ મિની વાન ત્યાં ઊભેલી એક બસ સાથે અથડાઈ ગઈ. ઘટના બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો.
અકસ્માતમાં 9 લોકોના મોત
જણાવી દઈએ કે, દુર્ઘટના ત્યારે બની જ્યારે આ લોકો નાસિકથી પુણે જઈ રહ્યા હતા. મૃતકોમાં ચાર મહિલાઓ, ચાર પુરુષ અને એક બાળક સામેલ છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલાયા છે.
મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાયની જાહેરાત
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે દરેક મૃતકના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ફડણવીસે 'X' પર પોસ્ટમાં કહ્યું કે, 'પુણે-નાસિક હાઈવે પર નારાયણગાંવ નજીક એક દુર્ઘટનામાં 9 લોકોના મોતની ઘટના ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે. હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું. અમે તેમના પરિવારોના દુઃખમાં સામેલ છીએ.'