મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ઉલટફેરના એંધાણ! સામનામાં ફડણવીસના વખાણ, શિંદે કરશે બળવો?
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં હાલ રાજકીય માહોલ ગરમાયો રહ્યા છે, મહાવિકાસ અઘાડી(MVA)માં સમાવિષ્ટ પક્ષો ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિમાં સમાવિષ્ટ પક્ષોની પ્રશંસા કરી રહ્યા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અનેક સરકારી બેઠકોનો બહિષ્કાર કર્યો છે. તો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિંદેના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા કેટલાક નિર્ણયોની તપાસના આદેશ આપ્યા છે. જેને લઈને શિવસેના(ઉદ્ધવ જૂથ)એ આ પગલાની પ્રશંસા કરી છે. દિલ્હીમાં બનેલી કેટલીક ઘટનાઓએ રાજ્યમાં રાજકીય ચર્ચાઓને પણ ગરમ કરી દીધી છે. આ એ પણ દર્શાવે છે કે મહારાષ્ટ્રના બંને ગઠબંધનમાં બધું બરાબર ચાલી રહ્યું નથી.
સામનામાં સીએમ દેવેન્દ્ર ફડણવીસનું સન્માન
શિવસેના(ઉદ્ધવ જૂથ)નું મુખપત્ર સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરી. જ્યારે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર નિશાન સાધવામાં આવ્યું છે. સામનામાં લખ્યું છે કે, 'શિંદેના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન થયેલા કાળા કાર્યોનો અંત લાવવાનું પવિત્ર કાર્ય શરુ થઈ ગયું છે. દેવેન્દ્ર ફડણવીસે મંત્રીઓના ખાસ ફરજ પરના અધિકારી (OSD) અને ખાનગી સચિવ(PS)ની નિમણૂક કરવાનો અધિકાર છીનવી લઈને એક સારું પગલું ભર્યું છે.'
સામનામાં લખ્યું, 'મંત્રીઓ દ્વારા મુખ્યમંત્રીને મંજૂરી માટે મોકલવામાં આવેલા પીએ અને ઓએસડીના નામોમાંથી 16 નામો મુખ્યમંત્રી દ્વારા સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા હતા. આ 16 લોકો પાછલી શિંદે સરકારમાં મંત્રીઓના ઓએસડી બનીને દલાલી અને ફિક્સિંગ કરી રહ્યા હતા. આ ફિક્સર્સને ફડણવીસે નકારી કાઢ્યા હતા. મંત્રીઓના પીએ અને ઓએસડીની નિમણૂક કરવાની સત્તાઓ છીનવી લેવામાં આવી. ફિક્સરની નિમણૂક ન કરવાની મુખ્યમંત્રીની ભૂમિકા યોગ્ય છે. આ 16 ફિક્સરોમાંથી 12 ફિક્સરોના નામ શિંદે જૂથના મંત્રીઓ દ્વારા આગળ મૂકવામાં આવ્યા હતા. મંત્રીઓને આવા ફિક્સર્સની શી જરૂર?'
આ પણ વાંચો: સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો: PM મોદીનું મહાકુંભના સમાપન અંગે નિવેદન
મુખપત્રમાં લખ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની છે. ત્રણ વર્ષ પહેલાં મહારાષ્ટ્રમાં શિંદેનું શાસન ફિક્સિંગમાંથી જન્મ્યું હતું. આના કારણે રાજ્યમાં મોટી સંખ્યામાં ફિક્સર્સ અને દલાલોનો ઉદય થયો. વર્તમાન મુખ્યમંત્રીએ આ પાક લણવાનો નિર્ણય લીધો છે.'
'અભિનંદન દેવા ભાઉ'
અગાઉ સામનાએ મુખ્યમંત્રી ફડણવીસની પ્રશંસા કરી હતી. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં સામનામાં એક તંત્રીલેખ પ્રકાશિત થયો હતો, 'અભિનંદન દેવા ભાઉ'. વાસ્તવમાં દેવેન્દ્ર ફડણવીસને 'દેવા ભાઉ' પણ કહેવામાં આવે છે. આ તંત્રીલેખમાં લખવામાં આવ્યું હતું કે, 'ગરીબીને કારણે ગઢચિરોલીમાં નક્સલવાદ વધ્યો. યુવાનોએ હાથમાં બંદૂકો લઈને આતંક અને ગભરાટ ફેલાવવાનું શરુ કર્યું. પોલીસકર્મીઓ પણ માર્યા ગયા અને બાળકો પણ માર્યા ગયા. હવે જો મુખ્યમંત્રી ગઢચિરોલીમાં આ ચિત્ર બદલવાનો નિર્ણય લે છે તો અમે તેમને અભિનંદન આપીએ છીએ. અમને આશા છે કે ફડણવીસ ગઢચિરોલીમાં કંઈક નવું કરશે અને આદિવાસીઓના જીવનમાં પરિવર્તન લાવશે.'
મને હળવાશથી ન લો: એકનાથ શિંદે
ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 21મી ફેબ્રુઆરીએ મુંબઈમાં નાગપુરમાં જણાવ્યું હતું કે, 'જ્યારે તમે (વિપક્ષ) 2022ને હળવાશથી લીધું, ત્યારે અમે સ્થિતિ બદલી નાખી. અમે સરકાર બદલી. અમે સામાન્ય લોકોની ઇચ્છાઓની સરકાર લાવ્યા. વિધાનસભામાં મારા પહેલા ભાષણમાં દેવેન્દ્ર ફડણવીસને કહ્યું હતું કે અમને 200થી વધુ બેઠકો મળશે અને અમને 232 બેઠકો મળી. તો મને હળવાશથી ન લો, જેઓ આ સંકેતને સમજવા માંગે છે, તેમને સમજવા દો અને હું મારું કામ કરવાનું ચાલુ રાખીશ.'