મહારાષ્ટ્રના રાજકારણમાં મધુર સંગીત! ઠાકરે જૂથ બાદ હવે સુપ્રિયા સુલેએ પણ કર્યા ફડણવીસના વખાણ
CM Devendra Fadnavis: એવું ક્યારેય બની જ ના શકે કે, સમકાલીન રાજકીય વિમર્શમાં મહારાષ્ટ્રના રાજકારણની ચર્ચા ન થાય, કારણ કે, ત્યાંના નેતાઓ એવું થવા જ નહીં દેશે. હવે તાજેતરના મામલામાં જોઈએ તો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો વિરોધ કરનારા વિપક્ષી નેતાઓ હવે તેમની પશંસાના પુલ બાંધી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી શિવસેના યુબીટીએ પહેલા પોતાના મુખપત્ર 'સામના'માં ફડણવીસના વખાણ કર્યા હતા, ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે પણ તેમના વખાણ કર્યા. બીજી તરફ હવે સુપ્રિયા સુલેએ પણ તેમાં મોડું ન કર્યું અને તેમણે પણ ફડણવીસના વખાણ કરી નાખ્યા.
શું ઉદ્ધવ ઠાકરેનું વલણ બદલાઈ ગયું?
હકીકતમાં શિવસેનાના મુખપત્ર 'સામના'માં ફડણવીસ માટે લખવામાં આવ્યું હતું કે તેમણે નવા વર્ષની શરૂઆત ગઢચિરોલી જેવા નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં વિકાસ કાર્યોથી કરી, જે અન્ય નેતાઓ માટે એક મિસાલ છે. આ ત્યારે વધુ આઘાતજનક લાગ્યું જ્યારે એક દિવસ પહેલા જ 'સામના' એ ડેપ્યુટી સીએન એકનાથ શિંદે પર નિશાન સાધતા તેમને 'ડિપ્રેશનમાં' હોવાનું જણાવ્યું હતું. આ બદલાતા વલણે રાજકીય વર્તુળોમાં ચર્ચા છેડી દીધી છે કે શું આ માત્ર ફડણવીસના કાર્યની પ્રશંસા છે કે પછી કંઈક મોટું થવાના સંકેત છે?
સંજય રાઉત અને સુપ્રિયા સુલેની પણ પ્રતિક્રિયા
સામના લેખ બાદ શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે મીડિયાને કહ્યું કે, અમારી પાર્ટી હંમેશા સત્યનું સમર્થન કરે છે. ફડણવીસે ગઢચિરોલીમાં જે કર્યું તે રાજ્ય માટે ગર્વની વાત છે. રાઉતે તો ત્યાં સુધી કહ્યું કે, મહારાષ્ટ્રનું મધુર સંગીત અહીંનું રાજકારણ જ છે, અમારી ટીકા રચનાત્મક છે, પરંતુ જ્યારે સારું કામ થાય છે ત્યારે તેની પ્રશંસા પણ કરીએ છીએ. બીજી તરફ NCP શરદ પવારની નેતા સુપ્રિયા સુલેએ પણ ફડણવીસના વખાણ કર્યા અને કહ્યું કે વર્તમાન સરકારમાં જો કોઈ કામ કરી રહ્યું છે તો તે માત્ર દેવેન્દ્ર ફડણવીસ છે.
આ પણ વાંચો: બિહાર જ નહીં મહારાષ્ટ્રના રાજકારણમાં પણ હલચલ! ઉદ્ધવ ઠાકરે જૂથે કર્યા ફડણવીસના વખાણ
પ્રશંસા પર શું બોલ્યા ફડણવીસ
આવા સવાલોના સ્મિત સાથે જવાબ આપનારા મુખ્યમંત્રી ફડણવીસે વિપક્ષની પ્રશંસા પર સંયમિત પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે મારા કામની પ્રશંસા કરનારા તમામનો હું આભાર માનું છું. ગઢચિરોલીમાં વિકાસની પહેલ માત્ર શરૂઆત છે. અમારો ઉદ્દેશ્ય એ છે કે વિકાસ મહારાષ્ટ્રના દરેક ખૂણે પહોંચવો જોઈએ. બીજી તરફ એકનાથ શિંદેના જૂથે ઉદ્ધવને રાજકીય મજબૂરી ગણાવીને તેમના પર કટાક્ષ કર્યો હતો.
આખરે હવે શું થવાનું છે?
આ બદલેયા નિવેદનો પર રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, ઉદ્ધવ ઠાકરેની આ પહેલ માત્ર વખાણ જ નહીં પરંતુ આગામી નાગરિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને એક વ્યૂહાત્મક પગલું બની શકે છે. મહારાષ્ટ્રમાં તાજેતરની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ ઉદ્ધવ જૂથ ભાજપ સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી શકે છે. એ પણ શક્ય છે કે આ માત્ર એક સામાન્ય રાજકીય સૌજન્ય હોય, પરંતુ મહારાષ્ટ્રના રાજકારણમાં શક્યતાઓના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે. અત્યારે, શું આ પરિવર્તન કોઈ ભાવિ ગઠબંધનનો પાયો છે કે બીજું કંઈક તે ટૂંક જ સમયમાં જાહેર થઈ જશે.