BMCની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ફરી નવાજૂની? કોંગ્રેસને હાંસિયે ધકેલી પવાર અને ઠાકરેની બેઠક
Maharashtra Politics : મહારાષ્ટ્રમાં બૃહનમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણી પહેલા રાજ્યમાં ફરી નવાજૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે. મહા વિકાસ આઘાડી ગઠબંધનમાં આંતરિક મતભેદો વચ્ચે આજે (20 જાન્યુઆરી) શિવસેના (UBT) ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અચાનક NCP (SP) ના પ્રમુખ શરદ પવારથી મળવા પહોંચ્યા હતા. ઠાકરે અને પવાર વચ્ચેની આ બેઠક લગભગ એક કલાક કરતા પણ વધુ સમય સુધી ચાલી હતી. જોકે, આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓ ન દેખાતા રાજકીય વર્તુળોમાં અનેક અટકળોએ જોર પકડ્યું છે.
કોંગ્રેસની અવગણના?
નોંધનીય છે કે, આ બેઠકમાં કોંગ્રેસના કોઇ પણ સિનિયર નેતા જોવા મળ્યા નહોતા. એનસીપી (એસપી) ના નેતા જયંત પાટિલે આ અંગે કહ્યું કે, 'બેઠકમાં કોઇ પણ કોંગ્રેસ નેતા હાજર નહોતા કારણ કે ઉદ્ધવ ઠાકરે માત્ર શરદ પવારને જ મળવા માગતા હતા.'
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીને 'સુપ્રીમ' રાહત, શાહ અંગે ટિપ્પણી મામલે માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સ્ટે
પવારે મતભેદો દૂર કરવા મોરચો સંભાળ્યો
મહા વિકાસ આઘાડી (MVA) ગઠબંધનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા શરદ પવારે એમવીએમાં મતભેદો દૂર કરવા માટે મોરચો સંભાળ્યો છે. તેમણે તાજેતરમાં જ કહ્યું હતું કે, 'અમે આગામી બીએમસી ચૂંટણી લડવા અંગે ચર્ચા કરવા માટે ગઠબંધનના ત્રણેય દળો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી), શિવસેના (યુબીટી) અને કોંગ્રેસની બેઠક બોલાવીશું.'
શિવસેના (UBT) એકલા હાથે લડશે ચૂંટણી
બીજી બાજુ, શિવસેના (UBT) એ બીએમસીની ચૂંટણી એકલા હાથે જ લડવાની જાહેરાત કરી છે. પક્ષ તરફથી એક નિવેદન બહાર પાડી જણાવાયું છે કે, 'રાષ્ટ્રીય સ્તર પર બનેલા 'ઇન્ડિયા' ગઠબંધન અને મહારાષ્ટ્રમાં બનેલા મહા વિકાસ આઘાડી (એમવીએ) ગઠબંધન મુજબ અમે ફક્ત રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની ચૂંટણીમાં જ એક બીજાના સહયોગી છે. અમે ક્યારેય સ્થાનિક સ્તરે ચૂંટણી લડવાને લઇને ન તો ચર્ચા કરી છે કે ન તો પ્રસ્તાવ મુક્યો છે.'
નોંધનીય છે કે, રાજકીય સહયોગીએ પરંપરાગત રીતે સ્થાનિક ચૂંટણીઓમાં સ્વતંત્ર રીતે જ લડતા હોય છે, પરંતુ શિવસેના (UBT)ની આ જાહેરાત બાદ એમવીએની ભાવી અંગે અનેક શંકાઓને જન્મ આપ્યો છે.