MVAમાં વિવાદના એંધાણ, ઉદ્ધવની શિવસેનાએ આ મોટી માંગણી કરી કોંગ્રેસ-NCPની વધારી મુશ્કેલી
Maharashtra Politics: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એક તરફ એનડીએમાં બેઠકની વહેંચણીની માગ ચાલી રહી છે, તો બીજી તરફ વિપક્ષ મહાવિકાસ અઘાડીમાં બેઠકની વહેંચણી ઉપરાંત મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન શિવસેના (ઉદ્ધવ જૂથ) કોંગ્રેસ અને એનસીપી (શરદ પવાર જૂથ) પાસેથી ગેરન્ટી માગી છે. શિવસેના (ઉદ્ધવ જૂથ)નું કહેવુ છે કે, ચૂંટણી લડતા પહેલા એ નક્કી કરી લેવુ જોઈએ કે, જો મહાવિકાસ અઘાડી સત્તામાં પહોંચે છે તો ઉદ્વવ ઠાકરે મુખ્યમંત્રી બનશે.
અહેવાલો અનુસાર, ઉદ્વવ ઠાકરે લગભગ અઢી વર્ષ સુધી મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી રહ્યા હતા. પરંતુ 2022માં એકનાથ શિંદે પક્ષ પલટો કરતા ઉદ્વવ ઠાકરેને પદ છોડવું પડ્યું હતું. વિપક્ષી ગઠબંધનના એક નેતાએ કહ્યું કે, 'શિવસેના (ઉદ્ધવ જૂથ)ના ઈચ્છે છે કે અમારા નેતાના નામ પર અગાઉ સર્વસંમતિ સાધવામાં આવે. આ પછી જ બેઠકની વહેંચણી પર વાત થવી જોઈએ.' એટલું જ નહીં શિવસેના (ઉદ્ધવ જૂથ)ના બેઠકમાં સૌથી મોટો હિસ્સો ઇચ્છે છે.
શિવસેના (ઉદ્ધવ જૂથ)ની માગ
શિવસેના (ઉદ્ધવ જૂથ) કોઈ જોખમ લેવા માંગતી નથી અને પહેલેથી જ ગેરંટી માંગી રહી છે. ઉદ્ધવ ઠાકરે ગયા અઠવાડિયે દિલ્હી ગયા હતા. તેમના પુત્ર આદિત્ય અને પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય રાઉત પણ તેમની સાથે હતા. તેઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. આ ઉપરાંત તેઓ શરદ પવારને પણ મળ્યા હતા. આ દરમિયાન શિવસેના (ઉદ્ધવ જૂથ)એ આ તમામ નેતાઓ પાસેથી એક જ માંગણી કરી હતી કે, મુખ્યમંત્રી પદ અંગેનો નિર્ણય અગાઉથી લેવામાં આવે. નોંધનીય છે કે, વર્ષ 2019માં ચૂંટણી પરિણામો પછી આ મુદ્દા પર શિવસેના અને ભાજપ વચ્ચે યુદ્ધ શરૂ થયું.
આ પણ વાંચો: વિપક્ષના નેતા હોવા છતાં રાહુલ ગાંધીનું સ્થાન પાછલી હરોળમાં કેમ? સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કારણ
કોંગ્રેસ પણ પાછળ હટવા તૈયાર નથી!
શિવસેના (ઉદ્ધવ જૂથ)નું કહેવું છે કે, ભાજપે વચન આપ્યું હતું કે ચૂંટણી જીત્યા બાદ તેના નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. જ્યારે ભાજપે આવી કોઈપણ સમજૂતીનો ઈન્કાર કર્યો હતો. આવી સ્થિતિમાં 2019થી બોધપાઠ લઈને શિવસેના (ઉદ્ધવ જૂથ) હવે કોઈ જોખમ લેવા માંગતી નથી. સાથે જ કોંગ્રેસ પણ પાછળ હટવા તૈયાર નથી. તેણે 17 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી અને 13 જીતી. જ્યારે ઉદ્ધવ સેનાએ 21માંથી 9 અને શરદ પવાર જૂથે 10માંથી 8 બેઠકો જીતી હતી. આવી સ્થિતિમાં કોંગ્રેસનું માનવું છે કે જનતાએ તેને રાજ્યની સૌથી મોટી પાર્ટી માની છે. તેથી મહારાષ્ટ્રમાં વધુ બેઠકો માટે તેનો મજબૂત દાવો છે. આ ટકરાવને જોતા આગામી કેટલાક દિવસો મહત્ત્વના રહેશે.