'આપણામાં ભાગલા પાડનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં PM મોદીનું નિવેદન; રાહુલ ગાંધીએ કર્યો અનામતનો વાયદો
Maharashtra Politics: દેશભરમાં ચૂંટણી માહોલ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો સક્રિય થયા છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂર્ણ થતાં જ બન્ને પક્ષો હવે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન વડપ્રધાન મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બન્નેએ મહારાષ્ટ્રમાં જનસભા સંબોધી હતી અને એકબીજા પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, આપણે વહેંચાઈશું તો આપણામાં ભાગલા પાડનારા મહેફિલ સજાવશે. જ્યારે રાહુલ ગાંધીએ પણ અનામત મુદ્દે વાયદો કરી મોદી સરકારને ઘેરી હતી.
પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર
વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં વણજારા સાંસ્કૃતિક મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરતી વખતે વિશાળ જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, 'કોંગ્રેસ પર શહેરી નક્સલવાદીઓનું રાજ છે. તેમને લાગે છે કે જો આપણે બધા એક થઈ જઈશું તો દેશને વહેંચવાનો તેમનો એજન્ડા નિષ્ફળ થઈ જશે. પરંતુ જો આપણે વહેંચાઈશું તો આપણામાં ભાગલા પાડનારા લોકો મહેફિલ સજાવશે. દરેક વ્યક્તિ જોઈ શકે છે કે, કોંગ્રેસ એવા લોકો સાથે ઊભી છે જેઓ ભારત વિરોધી છે.'
આ દરમિયાન તેમણે તાજેતરના દિલ્હી ડ્રગ્સ કેસ મામલે પણ કોંગ્રેસને ઘેરી હતી. તેમણે કહ્યું કે, 'તાજેતરમાં દિલ્હીમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું, જેમાં કોંગ્રેસના એક નેતાની સંડોવણીની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસ યુવાનોને નશાની લત લગાડી તેનાથી મળતા રૂપિયાથી ચૂંટણી લડવા માંગે છે, આપણે આવા એજન્ડાથી સાવધાન રહેવું જોઈએ.'
કોંગ્રેસની વિચારધારાને વિદેશી ગણાવી
મહારાષ્ટ્રમાં કોંગ્રેસની વિચારધારા અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, 'કોંગ્રેસ વિદેશી વિચારધારા ધરાવે છે. અંગ્રેજોની જેમ કોંગ્રેસ પરિવાર પણ દલિત, પછાત વર્ગો અને આદિવાસીઓને પોતાના સમાન ગણતા નથી. તેમને લાગે છે કે ભારત પર માત્ર એક જ પરિવારનું શાસન હોવું જોઈએ.'
રાહુલ ગાંધીએ અનામત મુદ્દે કર્યો વાયદો
કોલ્હાપુરમાં સંવિધાન સન્માન સંમેલનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વચન આપતાં કહ્યું હતું કે, 'જો કોંગ્રેસ સત્તામાં આવશે તો અનામતની મર્યાદા 50 ટકાથી વધારવામાં આવશે અને જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે. કોની કેટલી વસ્તી છે અને તેમની પાસે કેટલી આર્થિક પકડ છે. આ માટે અમે સામાજિક-આર્થિક સર્વે પણ કરીશું. ભારતના IAS ક્યાં બેઠા છે અને ક્યાં છે. પછાત વર્ગો અને દલિતોને લાભ માટે અમે સર્વે કરાવીશું અને આ બિલ પસાર થશે.
આ પણ વાંચોઃ 'ભાજપને વોટ આપજો...', દુષ્કર્મી રામ રહીમે પેરોલથી છૂટ્યાં બાદ અનુયાયીઓને કરી અપીલ
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યો પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું, 'પહેલા પીએમ મોદી 400 પાર કહેતા હતા. ત્યારબાદ હિન્દુસ્તાનના લોકોએ કહ્યું કે તેને સ્પર્શ કરી શકશો નહીં, બાદમાં મોદીજીને બંધારણ સામે ઝૂકવું પડ્યું. વર્તમાન સમયે બંધારણની રક્ષા કરવાના માત્ર બે જ રસ્તા છે. જાતિ આધારિત વસ્તી ગણતરી અને 50 ટકા અનામતની દીવાલ તોડવી.' નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણનો મુદ્દો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને કોંગ્રેસ તેનો ફાયદો ઉઠાવવા માંગે છે.