મહારાષ્ટ્રમાં શપથવિધિ પહેલા અજિત પવારે પણ ફસાવ્યો પેચ ! રાજ્યપાલ-કેન્દ્રીય મંત્રી સહિતની માંગ કરી
Maharashtra Politics News : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી જીતવા છતાં મહાયુતિ ગઠબંધન મહામુશ્કેલીનો સામનો કરી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. એકતરફ રાજ્યના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે મહત્ત્વના વિભાગો માંગી રહ્યા છે, તો બીજીતરફ NCPના પ્રમુખ અજિત પવારે પણ મહત્ત્વના મંત્રી પદો માંગી ભાજપની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
અજિત પવારને 11 મંત્રી પદ જોઈએ
સૂત્રોના જણાવ્યા મુજબ અજિત પવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરવાના છે, જેમાં તેઓ 11 મંત્રી પદ માંગી શકે છે. તેઓ મહારાષ્ટ્રમાં સાત કેબિનેટ અને બે રાજ્યમંત્રી, કેન્દ્રમાં એક કેબિનેટ અને કોઈપણ રાજ્યમાં રાજ્યપાલ પદની માંગણી કરી શકે છે. અજિત પાર્ટીના કોઈપણ વરિષ્ઠ નેતા માટે રાજ્યપાલ પદ અને પ્રફુલ્લ પટેલ માટે કેન્દ્રમાં કેબિનેટ પદ ઈચ્છે છે.
અજિત પવાર દિલ્હીમાં
મહારાષ્ટ્રમાં પાંચમી ડિસેમ્બરે શપથગ્રહણ કાર્યક્રમ યોજાવાનો છે. જોકે તે પહેલા સરકારને અંતિમરૂપ આપવા માટે મહારાષ્ટ્રથી લઈને દિલ્હી સુધી દોડધામ જોવા મળી રહી છે. અજિત પવાર સોમવારે દિલ્હી પહોંચ્યા હતા. તેઓ દિલ્હીમાં જ રોકાયેલા છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે.
મહાયુતિના નેતાઓ અમિત શાહને મળ્યા
આ પહેલા મહાયુતિના ત્રણે નેતાઓ શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદે, ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ અને NCP પ્રમુખ અજિત પવારે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મંત્રાલયની વહેંચણી મુદ્દે ચર્ચા થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અજિત પવાર નવી સરકારમાં એનસીપીની દાવેદારી સુનિશ્ચિત કરવા ઈચ્છે છે.
આ પણ વાંચો : એકનાથ શિંદેની નારાજગી સમાપ્ત, ગૃહ ખાતાની જીદ પણ છોડી: સરકારમાં મળશે આ પદ
કંઈ પાર્ટીના કેટલા નેતાઓને મંત્રી બનાવાશે ?
મળતા અહેવાલો મુજબ મહારાષ્ટ્રમાં ભાજપમાંથી 21, શિવસેનામાંથી 12 અને અજિત પવારની પાર્ટીમાંથી 10 મંત્રી બની શકે છે. ભાજપ તરફથી મંત્રી પદ માટે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે, મુંબઈ ભાજપ પ્રમુખ આશીષ શેલાર અને મહિલા મંત્રી માટે પંકજા મુંડેના નામ નક્કી કરાયા છે. જ્યારે NCPની પાર્ટીમાંથી ખુદ અજિત પવાર, છગન ભુજબળ, ધનંજય મુંડે અને અદિતિ તટકરેનું નામ નક્કી કરાયું છે.
અજિત પવારને નાણાં મંત્રાલય ?
વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 132, શિવસેનાએ 57 અને એનસીપીએ 41 બેઠકો જીતી છે. એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે, અજિત પવારને નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી શકે છે. બીજીતરફ એકનાથ શિંદે ગૃહ મંત્રાલય મેળવવાની જીદ કરી રહ્યા છે, જોકે ભાજપ આ મંત્રાલય છોડવા તૈયાર નથી.