Get The App

મહારાષ્ટ્રમાં સરકાર બન્યાના એક મહિનામાં જ મહાયુતિમાં શરૂ થયો નવો ઝઘડો, જાણો શું છે મામલો

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં સરકાર બન્યાના એક મહિનામાં જ મહાયુતિમાં શરૂ થયો નવો ઝઘડો, જાણો શું છે મામલો 1 - image


Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યાને એક મહિનો પણ નથી થયો કે આ ગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે એક મુદ્દાને લઈને રસાકસી શરૂ થઈ ગઈ છે. આ મુદ્દા 'જિલ્લા પાલક (વાલી) મંત્રી' નિયુક્ત કરવાનો છે. મહાયુતિની સરકારને મહારાષ્ટ્રના 36 જિલ્લાઓમાં જિલ્લા પાલક મંત્રી નિયુક્ત કરવાના છે.

જણાવી દઈએ કે, ચૂંટણી પરિણામો બાદથી જ મહાયુતિના પક્ષો વચ્ચે યુદ્ધ શરૂ થઈ હતું. ભાજપની આગેવાની વાળા મહાયુતિ ગઠબંધનને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જોરદાર જીત મળી હતી. પરંતુ પહેલા મુખ્યમંત્રી પસંદગી અને પછી વિભાગોની વહેંચણીને લઈને મહાયુતિમાં સામેલ પક્ષો વચ્ચે ખુબ રકઝક ચાલી. મુખ્યરીતે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતાની કેટલીક માગોને લઈને જીદ પર હતા. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પસંદગીને લઈને એકનાથ શિંદે નારાજ થઈ ગયા હતા અને પોતાના ગામ ચાલ્યા ગયા હતા.

મુખ્યમંત્રીનો મુદ્દો ઉકેલાયા બાદ વિભાગોની વહેંચણીને લઈને પણ આ ત્રણેય પક્ષો વચ્ચે ખુબ વિવાદ જોવા મળ્યો અને તેના કારણે આ કામમાં 15 દિવસથી વધુનો સમય લાગ્યો. તેનાથી એ સંદેશ ગયો કે વિભાગોની વહેંચણીને લઈને આ પક્ષો વચ્ચે લડાઈ ચાલી રહી છે અને સૌ મહત્ત્વપૂર્ણ વિભાગો હડપવા માગે છે. મહારાષ્ટ્ર સરકારમાં ભાજપને 20 મંત્રી પદ મળ્યા, જ્યારે શિવસેના-એનસીપીના 12 અને 10 ધારાસભ્ય મંત્રી બન્યા.

હવે વાત કરીએ કે જિલ્લા પાલક મંત્રીનો સંપૂર્ણ મામલો શું છે અને આ પદ એટલું મહત્ત્વપૂર્ણ શા માટે છે કે ત્રણેય પક્ષો પોતાના નેતાઓને આ પદ પર બેસાડવા માગે છે. જિલ્લા પાલક મંત્રી જિલ્લા યોજના અને વિકાસ કમિટી (DPDC)ની બેઠકોની અધ્યક્ષતા કરે છે. આ કમિટીમાં ધારાસભ્ય, સાંસદ અને સ્થાનિક સંસ્થાઓના ચૂંટાયેલા સભ્યો સામેલ હોય છે. આ કમિટી રાજ્ય સરકારની ગાઇડલાઇન્સના અનુસાર યોજનાઓને તૈયાર કરે છે.

પુણેની જિલ્લા પરિષદના પૂર્વ સીઈઓ આયુષ પ્રસાદે એક ખાનગી ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, DPDCને રાજ્ય સરકારથી ફંડ મળે છે અને આ વર્ષમાં બે વાર મળે છે. આ રાજ્યના કુલ બજેટના 10 ટકા હોય છે. જિલ્લા પાલક મંત્રીનું પદ તે નેતાઓને આપવામાં આવે છે જે કેબિનેટ સ્તરના સીનિયર નેતા હોય છે. તેનું કામ જિલ્લામાં વિકાસ યોજનાઓને લાગૂ કરાવવાનું હોય છે. એક રીતે જિલ્લા પાલક મંત્રી શાસન અને પાર્ટી મુદ્દાઓ વચ્ચે 'પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ' તરીકે કામ કરે છે.

હવે વાત કરીએ કે મહાયુતિમાં સામેલ પક્ષે વચ્ચે જિલ્લા પાલક મંત્રી પદ પર નિમણૂક માટે મહારાષ્ટ્રના કયા કયા જિલ્લામાં વિવાદ ચાલી રહ્યો છે.

પુણે અને થાણેમાં છે લડાઈ

પુણે જિલ્લો આમાં મુખ્ય છે. એનસીપીના વડા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પુણેની બારામતી બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. તેઓ છેલ્લા 20 વર્ષથી જિલ્લા પાલક મંત્રી પદ પર છે અને આ પદ જાળવી રાખવા માંગે છે. એનસીપીએ સ્પષ્ટ કર્યું છે કે તે આ અંગે પોતાનો દાવો છોડશે નહીં. આ સિવાય થાણેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના અને ભાજપ વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે. થાણે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનો ગૃહ વિસ્તાર છે અહીં એકનાથ શિંદે અને ભાજપના ધારાસભ્ય ગણેશ નાઈક વચ્ચે જોરદાર જંગ ચાલી રહ્યો છે.

સતારામાં ચાર મંત્રીઓ છે દાવેદાર

સાતારામાં એનસીપી, ભાજપ અને શિવસેનાના ચાર મંત્રીઓ જિલ્લા પાલક મંત્રી બનવા માંગે છે. આ નેતાઓમાં શિવસેનાના ધારાસભ્ય શંભુરાજ દેસાઈ, ભાજપના શિવેન્દ્રરાજે ભોસલે અને જયકુમાર ગોરે, એનસીપીના ધારાસભ્ય મકરંદ પાટીલના નામ સામેલ છે. કોલ્હાપુર અને રત્નાગીરી જિલ્લામાં NCP અને શિવસેનાના મંત્રીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. કોલ્હાપુરમાં હસન મુશ્રીફ અને શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ અમિતકર આ પદ માટે દાવેદારી કરી રહ્યા છે, જ્યારે રત્નાગીરીમાં શિવસેનાના મંત્રીઓ ઉદય સામંત અને યોગેશ કદમ આ પદ માટે દાવેદારી કરી રહ્યા છે.

યવતમાલ અને સંભાજીનગર જિલ્લાઓમાં પણ જિલ્લા પાલક મંત્રી પદ માટે આ પક્ષો વચ્ચે સ્પર્ધા છે. યવતમાલમાં ભાજપના ઉમેશ ઉઈકે, શિવસેનાના સંજય રાઠોડ અને એનસીપીના ઈન્દ્રનીલ નાઈક વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. જ્યારે છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં શિવસેનાના આ પદ માટે મંત્રી સંજય શિરસાટ અને ભાજપના અતુલ સાવે દાવેદારી કરી રહ્યા છે. તેવી જ રીતે, જલગાંવમાં આ પદ માટે ભાજપના ધારાસભ્ય સંજય સાવકરેનો મુકાબલો શિવસેનાના ધારાસભ્ય ગુલાબરાવ પાટીલ સામે છે.

મહાયુતિમાં જ ધનંજય મુંડેનો વિરોધ

સૌથી વધુ વિવાદ બીડ જિલ્લાને લઈને થઈ રહ્યો છે. આ NCPના વરિષ્ઠ નેતા ધનંજય મુંડેનો ગૃહ જિલ્લો છે. અહીં વિપક્ષની સાથે મહાયુતિના નેતાઓ પણ મુંડેનો વિરોધ કરી રહ્યા છે. અહીં ભાજપ પંકજા મુંડેને પાલક મંત્રી બનાવી શકે છે પરંતુ ધનંજય મુંડેને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર બંનેના નજીકના માનવામાં આવે છે. હવે જોવાનું રહ્યું કે, મહાયુતિમાં જિલ્લા પાલક મંત્રી પદને લઈને ચાલી રહેલી લડાઈ મોટું સ્વરૂપ લેશે કે ત્રણેય પક્ષો સાથે મળીને મામલો થાળે પાડશે તે જોવું રહ્યું.


Google NewsGoogle News