મહારાષ્ટ્ર ચૂંટણી: MVAમાં બેઠકોની વહેંચણીમાં પેચ ફસાયો, કોંગ્રેસ-NCPએ સંજય રાઉતનો દાવો ફગાવ્યો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જો કે, ચૂંટણી પહેલાં વિપક્ષ મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણી અંગે આંતરીક મતભેદ ચાલી રહ્યા હોવાનું જણાઇ રહ્યું છે. શિવસેના (યુબીટી), કોંગ્રેસ અને એનસીપી (શરદ પવાર)ના નેતાઓ વચ્ચે બેઠકોની વહેંચણી માટે બેઠક યોજાઇ હતી. જે પછી શિવસેના (યુબીટી)એ દાવો કર્યો હતો કે, મુંબઇની 99 ટકા બેઠકો પર અંતિમ નિર્ણય લેવાઇ ગયું છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે શરદ પવારની એનસીપી અને કોંગ્રેસે શિવસેનાના દાવાને ફગાવી દીધો છે.
સંજય રાઉતનો દાવો
શિવસેના (યુબીટી)ના પ્રવક્તા સંજય રાઉતે મુંબઈમાં પત્રકારોને જણાવ્યું હતું કે, 'અમારી બેઠકમાં અમે મુંબઈની 36 બેઠકોની વહેંચણી અંગે લગભગ અંતિમ નિર્ણય લઇ લીધું છે. અમારી પાસે 99 ટકા સીટો પર સમજૂતી છે. રાજ્યની અન્ય બેઠકો પર 27 ઓગસ્ટે ચર્ચા કરવામાં આવશે.'
સુત્રોના જણાવ્યા મુજબ, શિવસેના (યુબીટી) મુંબઈમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગે છે. તે મુંબઇની 36માંથી 22 સીટોની માંગ કરી રહી છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 14 બેઠકો જીતી હતી.
કોંગ્રેસે દાવો ફગાવ્યો
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંધેએ સંજય રાઉતના દાવાને ફગાવતા કહ્યું હતું કે, 'મુંબઈ અથવા સમગ્ર રાજ્ય માટે કોઈ બેઠક-વહેંચણી કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. આ અંગે અમારી ચર્ચા ચાલુ રહેશે. કોંગ્રેસે 16 બેઠકો માંગી છે. અમારી વચ્ચે કોઈપણ સીટ પર સહમતિ બની નથી. ભવિષ્યની બેઠકમાં અમે આ અંગે નિર્ણય લઈશું.'
બેઠક વહેંચણી પર કોઈ નિર્ણય નહીં- NCP
દરમિયાન, એનસીપી (શરદ પવાર)ના પ્રવક્તા મહેશ તાપસીએ પણ મુંબઈ માટે સીટ વહેંચણી અંગે કોઈ સમજૂતીનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું, “અમારી નજર આઠ બેઠકો પર છે. અમારી પાસે એક ધારાસભ્ય નવાબ મલિક હતા, પરંતુ હવે અમારી પાસે કોઈ નથી. બેઠકોની વહેંચણી પર પ્રથમ રાઉન્ડની વાતચીત થઈ છે. આગળની બેઠકોમાં, MVA નેતાઓ સીટ વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવા અંગે નિર્ણય લેશે.
રાજ ઠાકરેની મોટી જાહેરાત
દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ તમામ 225 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. MNSના વડા રાજ ઠાકરેએ શનિવારે નાગપુરમાં જણાવ્યું હતું કે, "લોકોએ મહાયુતિ અને MVA દ્વારા રમાતી ગંદી રાજનીતિ જોઈ છે. અમે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત 225 ઉમેદવારોને મેદાનમાં ઉતારીશું.'