મહારાષ્ટ્રમાં NDA જ નહીં MVAમાં પણ અસમંજસ: આ મુદ્દે ફસાયો પેચ, કોંગ્રેસ-NCP નેતા વિરોધમાં

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
Maha vikas Aghadi



Maharashta Politics: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા અત્યાર સુધી એનડીએમાં આંતરિક અસમંજસ જેવી સ્થિતિ દેખાઇ રહી હતી. જો કે, હવે એમવીએમાં પણ આવી સ્થિતિ સર્જાઇ છે. તાજેતરમાં ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદના ઉમેદવારનું નામ જાહેર કરવાની અને જે પક્ષના વધુ ધારાસભ્ય તે પક્ષનું સીએમ તેવી નીતિ ન અપનાવવાની માંગ કરી હતી, પરંતુ એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવાર અને મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ તેમની માંગ ફગાવી દીધી છે. શરદ પવાર અને કોંગ્રેસના આ વલણ બાદ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં અનેક અટકળોએ જોર પકડ્યું છે.

શરદ પવારે સાચું કહ્યુંઃ કોંગ્રેસ

આજે (4 સપ્ટેમ્બર) શરદ પવારના નિવેદનને સમર્થન આપતા મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું કે, 'શરદ પવારે જે કહ્યું તે સાચું છે. ચૂંટણીમાં અમે મહા વિકાસ આઘાડી તરીકે જઇશું. એમવીએ જ અમારું સંખ્યાબળ હશે. સીએમ અંગે બાદમાં નિર્ણય લઇશું. અગાઉ પણ ઉદ્ધવ ઠાકરેએ એમવીએના કાર્યક્રમમાં આ વાત ઉઠાવી હતી. જો કે, અમે એ દિવસે પણ તમામ કાર્યકર્તાઓની સામે સ્પષ્ટ કર્યું હતું કે એમવીએ જ અમારો ચહેરો છે.'

ઉદ્ધવની સર્વે કરાવવાની માંગ 

ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં દિલ્હીમાં કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, કેસી વેણુગોપાલ અને અન્ય દિગ્ગજ નેતાઓ સામેલ હતા. આ દરમિયાન ઠાકરેએ ગઠબંધનમાં કોઇ વિવાદ ન થાય એ માટે બેઠક વહેંચણી પહેલા સંયુક્ત સર્વેક્ષણ કરાવવાની માંગ કરી હતી.

સીએમ પદના ફોર્મ્યુલા પર અસંતોષ વ્યક્ત કર્યો

ઉદ્ધવ ઠાકરેએ વધુ બેઠકો જીતનારી પાર્ટીને સીએમ પદ આપવાના ફોર્મ્યુલા પર પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'આ પ્રણાલીને ખતમ કરવું જોઇએ કારણ કે આનાથી વધુ વિવાદ થઇ શકે છે. આ પ્રણાલી અમલમાં હોતા ગઠબંધનમાં સામેલ પાર્ટીઓ પોતાની જીતની સંભાવના વધારવા માટે અધિકથી અધિક બેઠકોની માંગ કરવા લાગે છે.' આ દરમિયાન તેમણે એમવીએમાં સીએમ પદનો ચહેરો બનવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.


Google NewsGoogle News