'મારે મુખ્યમંત્રી બનવું છે પણ ડેપ્યુટી CMથી આગળ જ નથી વધી રહ્યો..' કદાવર નેતાનું દર્દ છલકાયું
Maharashtra Politics: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (અજિત જૂથ)ના વડા અજિત પવારે મુખ્યમંત્રી બનવાની ઈચ્છા પર ખુલીને વાત કરી હતી. એક કાર્યક્રમ દરમિયાન તેણે કહ્યું કે 'હું મુખ્યમંત્રી બનવા માંગું છું, પરંતુ વારંવાર ડેપ્યુટી સીએમના પદ પર અટકી જાવ છું.' આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહાયુતિ એટલે કે એનસીપી, ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણી અંગે પણ વિસ્તારમાં વાત કરી હતી.
'એનસીપી પાસે વર્ષ 2004માં સીએમ બનાવવાની તક હતી'
એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે જણાવ્યું હતું. 'હું મુખ્યમંત્રી બનવા માંગુ છું, પરંતુ હું આગળ વધી શકતો નથી. મને તક નથી મળી રહી. એનસીપી પાસે વર્ષ 2004માં મુખ્યમંત્રી બનાવવાની તક હતી, પરંતુ પાર્ટીએ તે ગુમાવી દીધી. ખાસ વાત એ છે કે 2004માં મહારાષ્ટ્રનું સીએમ પદ કોંગ્રેસના ફાળે આવ્યું હતું.'
આ પણ વાંચો: માનહાનિ કેસમાં 'ઉદ્ધવ સેના'ના દિગ્ગજ નેતા સંજય રાઉત ફસાયા, 15 દિવસની કેદની સજા
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2004ની વિધાનસભા ચૂંટણીમાં એનસીપી મહારાષ્ટ્રમાં સૌતી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી. આ દરમિયાન એનસીપીને 71 બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસ 69 બેઠક પર જીત સાથે બીજા સ્થાને હતી. ત્યારબાદ કોંગ્રેસના નેતા વિલાસરાવ દેશમુખને મુખ્યમંત્રી બનવવામાં આવ્યા હતા. વર્ષ 2012માં વિલાસરાવનું અવલાન થયું હતું.
બેઠકની વહેંચણી કેવી રીતે થશે?
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિતે પવારે કાર્યક્રમમાં જણાવ્યું છે કે, બેઠકની વહેંચણી વર્ષ 2019માં પાર્ટીને જીતેલી બેઠકની સંખ્યાના આધારે કરવામાં આવશે. ભાજપ વર્ષ 2019માં જીતેલી બેઠક પર ચૂંટણી લડશે. એનસીપી(અજિત જૂથ) અને શિવસેના (શિંદે જૂથ) માટે પણ એવું જ થશે. આવી સ્થિતિમાં 200 બેઠક પર બેઠક વહેંચણીની ફોર્મ્યુલા સ્પષ્ટ છે. બાકીની 88 બેઠકો ગઠબંધનના ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવશે.