મહારાષ્ટ્રમાં 'મહા'પોલિટિકલ ડ્રામા: શિંદેનો ભાજપ સાથેનો સંપર્ક તૂટ્યો! વિચારવાનો સમય માંગ્યો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મોટી સફળતા બાદ આશા હતી કે, મહાયુતિ કોઈપણ મુશ્કેલી વિના સરકાર બનાવશે. જોકે, મહારાષ્ટ્રમાં શરૂ થયેલા રાજકીય નાટકના કારણે મહાગઠબંધનના શપથ ગ્રહણ સમારોહમાં મોડુ થઈ રહ્યું છે. હાલ કહેવામાં આવી રહ્યું છે કે, મહાયુતિનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે થશે. એવામાં આ દરમિયાન એકનાથ શિંદેની નારાજગી અને ચુપ્પીને જોતા એવી પણ શંકા ઊભી થઈ રહી છે કે, મહાયુતિનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે થશે કે નહીં?
ભાજપની મુશ્કેલી વધારશે શિંદે?
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાએ મહાગઠબંધન ખાસ કરીને ભાજપની બેચેની વધારી દીધી છે. હવે આ તમામ ઘટનાક્રમો વચ્ચે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, શિંદે કંઈક નવાજૂની કરશે. એકનાથ શિંદેએ શુક્રવાર સાંજે વર્ષા બંગલામાં ગણતરીના નેતાઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ તે સતારા જિલ્લામાં દરે ગામ જવા રવાના થઈ ગયા. જોકે, શિંદેનું ગામડે પોતાના ઘરે જવાને લઈને શિંદે જૂથના ધારાસભ્ય સંજય શિરસાટે સાંકેતિક નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં શિંદેએ એવી કઈ ત્રણ શરત મૂકી કે ભાજપ માટે ઊભું થયું મહાસંકટ?
શું એકનાથ શિંદે લેશે કોઈ મોટો નિર્ણય?
સંજય શિરસાટે કહ્યું કે, 'એકનાથ શિંદેની સામે જ્યારે પણ કોઈ રાજકીય દુવિધા આવે છે, જ્યારે તેમને લાગે છે કે, તેમને સમય જોઈએ છે તો ગામડે જતા રહે છે. દરે ગામમાં તેમને મોબાઈલ ફોનની પણ જરૂર નથી. ત્યાં તે આરામથી નિર્ણય લે છે. જ્યારે પણ કોઈ મોટો નિર્ણય લેવામાં આવે છે તો તે પોતાના ગામ જરૂર જાય છે. હવે જ્યારે તે ઘરે પરત આવ્યા છે તો કદાચ કાલ સાંજ સુધી કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. રાજ્યમાં જે રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે, તેના પર તે નિર્ણય લઈ શકે છે.'
મહાયુતિની બેઠક રદ્દ કરાઈ
જણાવી દઈએ કે, ગુરૂવારે (28 નવેમ્બર) રાત્રે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહના આવાસ પર બેઠક થઈ હતી. આ બેઠકમાં મહાયુતિના પ્રમુખ નેતા હાજર હતાં. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના રૂપે દેવેન્દ્ર ફડણવીસના નામ ઉપર મહોર લગાવવામાં આવી. આ બેઠકમાં થયેલા ફોટો સેશનમાં એકનાથ શિંદેનો ચહેરો નિરાશાનજક જોવા મળ્યો. મહાયુતિના નેતાઓ દિલ્હીથી પરત ફર્યા બાદમાં ગુરૂવારે મુંબઈમાં ખાતાની વહેંચણીને લઈને બેઠક થવાની હતી. જોકે, એકનાથ શિંદેની ગૃહ વિભાગની માગ આગળ ન વધી. તેથી ગુરૂવારે યોજાયેલી મહાયુતિની બેઠક રદ્દ કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચોઃ 'આ તો જનાદેશનું અપમાન કહેવાય...' મહારાષ્ટ્રમાં સરકાર બનવામાં વિલંબ પર બગડ્યા શરદ પવાર
એકનાથ શિંદેએ પણ અચાનક વર્ષા બંગલેથી પોતાની બેગ પેક કરી અને સતારા સ્થિત પોતાના હોમ ટાઉન દરે જવા નીકળી પડ્યા છે. શુક્રવારે દરે ગામ પહોંચ્યા બાદ એકનાથ શિંદે કોઈની પણ સાથે વાત કર્યા વિના ઘરેથી નીકળી ગયા. ત્યારે હવે રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, એકનાથ શિંદેના મગજમાં ચાલી શું રહ્યું છે?