મહારાષ્ટ્ર સરકારમાં તકરાર વધી! ફડણવીસે શિંદે જૂથના 20 નેતાઓની 'પાંખ કાપી'
Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં એકનાથ શિંદેની શિવસેના અને ભાજપ વચ્ચે ઘમસાણ ચાલુ જ છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસથી નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે નારાજ હોવાની ચર્ચાઓ બાદ શિંદેસેનાના નેતાઓની સુરક્ષા દૂર કરાતાં મહારાષ્ટ્ર સરકારમાં કોલ્ડવોર શરુ થઈ હોવાના અહેવાલો મળ્યા છે.
CMએ શિંદે જૂથના નેતાઓની સુરક્ષા દૂર કરી
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસે ગૃહ વિભાગ છે. આ ગૃહ વિભાગે એકનાથ શિંદે જૂથને ટેન્શન આપ્યું છે. દેવેન્દ્ર ફડણવીસના ગૃહ વિભાગે શિંદે જૂથની શિવસેનાના 20થી વધુ ધારાસભ્યોની સુરક્ષામાં ઘટાડો કર્યો છે. આ એવા ધારાસભ્યો છે જેઓ મંત્રી નથી. તેમની સુરક્ષા Y+ કેટેગરીમાંથી ઘટાડીને માત્ર એક કોન્સ્ટેબલની કરવામાં આવી છે. એટલું જ નહીં શિવસેનાના અન્ય કેટલાક નેતાઓને આપવામાં આવેલી સુરક્ષા પણ પાછી ખેંચી લેવામાં આવી છે. જ્યારે શિંદે કેમ્પના ધારાસભ્યોએ ઉદ્ધવ જૂથ છોડી દીધું, ત્યારે તમામને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી.
શિંદે જૂથના ધારાસભ્યોની પાંખ કપાઈ?
ફડણવીસ સરકારે શિંદે જૂથના 20 ધારાસભ્યોની પાંખ કાપવાની સાથે ભાજપ અને અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપીના નેતાઓની સુરક્ષા પણ પરત લઈ લીધી છે. પરંતુ આ પ્રક્રિયામાં શિંદેસેનાના સૈનિકો વધારે છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના ધારાસભ્યો અને સાંસદોને ઑક્ટોબર 2022માં વાય-સિક્યોરિટી કવર આપવામાં આવ્યું હતું. ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને સીએમ બન્યાના થોડા મહિના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે શિંદેસેનાના મંત્રીઓ સિવાય મોટાભાગના ધારાસભ્યો માટે સુરક્ષા કવચ ઘટાડવામાં આવ્યું છે, જ્યારે ભૂતપૂર્વ સાંસદોનું સુરક્ષા કવચ પાછું ખેંચી લેવામાં આવ્યું છે.